વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૬મા જન્મદિને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાભરમાં લોકકલ્યાણ અને સમાજસેવાના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૬મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની તળે જનસેવા અને સમાજઉત્થાનના વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકસેવા અને સમાજકલ્યાણની ભાવનાને ઉજાગર કરવાનો રહ્યો હતો.
વડાપ્રધાનજીના જન્મદિન નિમિત્તે માધાપર માહી ડેરી સામેથી ગૌમાતા માટે ઘાસચારો ભરેલી ૭૬ ગાડીઓને વિવિધ ગામડાઓ તરફ રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે સ્મૃતિવન, ભુજ ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સામૂહિક દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભુજ શહેર ભાજપ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના ૧૧ ધાર્મિક સ્થાનો પર તેમજ કચ્છ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી પ્રાંગણમાં પણ દિવડા પ્રગટાવી મંગલ કામના કરવામાં આવી હતી.
આ ઉપરાંત સમગ્ર જિલ્લાના દસે દસ તાલુકાઓમાં પણ એક એક આઇકોનિક સ્થળની પસંદગી કરીને જે તે સ્થળ પર આ “આશીર્વાદનો દિવડો” કાર્યક્રમ વિશેષપણે યોજવામાં આવ્યો હતો જે પૈકી લખપત તાલુકામાં માતાના મઢ કોરીડોર ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ખાતે કસ્તુરબા વિદ્યાલય નખત્રાણા શહેર મધ્યે નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા અને તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, માંડવી સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંજાર તાલુકામાં સરહદ ડેરી ચાંદરાણી ખાતે જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રભાબેન હુણ અને સરહદ ડેરી ચેરમેન વલ્લમજીભાઈ હુમ્બલ, વીર બાળ સ્મારક અંજાર ખાતે રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ આંબેડકર ભવન ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, ભચાઉ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન વાવિયા, રાપર તાલુકામાં ગાગોદર સબ બ્રાન્ચ કેનાલ ખાતે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ વાઘજીભાઈ છાંગા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આશીર્વાદનો દીવડો કાર્યક્રમ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો.
ભુજ શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા જીવનજ્યોત બ્લડબેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત જીલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથોસાથ, કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી અને તેમની ટીમે રેન બસેરા ખાતે ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજી વડીલોને આદરપૂર્વક ભોજન પ્રસાદ અર્પણ કરાયો હતો. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીની આગેવાની હેઠળ જરૂરિયાતમંદ પરિવારજનોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં ભુજ ટાઉનહોલ ખાતે ‘સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર’નું આયોજન કરી યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ જ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ લાભાર્થી મેળા’ અંતર્ગત દિવ્યાંગોને જરૂરી સાધન-સહાય એનાયત કરાઈ હતી. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તે હેતુથી રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘સાયન્સ સેમિનાર’ યોજાયો હતો, જ્યારે ‘ટીબી મુક્ત કચ્છ’ના સંકલ્પ સાથે ટીબી હોસ્પિટલ ખાતે દર્દીઓને પોષણકીટનું વિતરણ કરાયું હતું.
નારી શક્તિને આત્મનિર્ભર બનાવવાના આશયથી સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પ્રો. બીનાબેન ભાનુશાલી અને ડોલીબેન શાહ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં આજરોજ આપણા ગૌરવશાળી, માનવંતા વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા મોદીજીના જન્મદિનની ઉજવણી માત્ર એક ઉત્સવ બની ન રહેતા, ગૌસેવા, જનસેવા, સ્વાસ્થ્ય, શિક્ષણ, યુવા રોજગારી અને સમાજના છેવાડાના માનવી સુધી અંત્યોદયને સાર્થક કરતાં સહાય પહોંચાડતું એક યથાર્થ ‘સેવા યજ્ઞ’ બની રહ્યું હતું.
આ પ્રકારના જનકલ્યાણના અનેક બહુવિધ કાર્યક્રમો આજરોજ સમગ્ર દિવસ દરમિયાન જિલ્લા ભાજપના તમામ 17 મંડલો પર યોજાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.