“સેવા મેરા યોગદાન” અભિયાન હેઠળ રામબાગ જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

રામબાગ જનરલ હોસ્પિટલ ખાતે એક વિશાળ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજશ શેઠ, કમિશનર બી. ડી. દાવેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ અને ઉર્વીશ વાળંદ, સિવિલ સર્જન ડૉ. કિશોર રોય, કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા અને ડૉ. હરીશ મટાણી, મામલતદાર જાવેદ સિંધિ તેમજ રમેશ મહેશ્વરી, કલ્પેશ પટેલ અને દેવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ સાથે પૂર્વાંચલ કંપની અને રાજાભાઈ પટેલ બ્લડ બેન્ક ખાતે પણ રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ કુલ ૧૫૩ યુનિટ રક્તદાન કર્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ લોકોએ રક્તદાન તેમજ અંગદાન (Organ Donation) કરવા માટેના પવિત્ર શપથ પણ લીધા હતા.
મુખ્ય આરોગ્ય સેવાઓ અને પ્રવૃત્તિઓ
- HPV રસીકરણ: ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપવાના હેતુથી તમામ આરોગ્ય સેન્ટરો પર ૧૪ થી ૧૫ વર્ષની ૪૫૩ થી વધુ કિશોરીઓને HPV વેક્સિન આપવામાં આવી હતી.
- ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ: ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન’ હેઠળ શ્રી અગ્રવાલ સમાજના સહયોગથી ૧૦૦ ટીબીના દર્દીઓને આગામી ૬ મહિના સુધી ઉપયોગી થાય તેવી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- નિદાન, સારવાર અને આયુષ્માન કાર્ડ: વિવિધ આરોગ્ય સેન્ટરો પર ૬૦૦ થી વધુ લોકોને જરૂરી સારવાર અને તબીબી સલાહ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ નાગરિકોના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવી આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજનથી સ્થાનિક વિસ્તારના અનેક લોકોને સીધો આરોગ્યવિષયક લાભ મળ્યો હતો અને ‘સેવા મેરા યોગદાન’ નો ઉદ્દેશ્ય સાર્થક થયો હતો.