ગાંધીધામમાં તો ખુદ કાયદાના રક્ષકોનું જ બાઇક ચોરાયું
સામાન્ય રીતે કોઇ વાહન ચોરાય એટલે માણસ દોડતો પોલીસ મથકે પહોંચે, પણ ગાંધીધામમાં તો ખુદ કાયદાના રક્ષકોનું જ બાઇક ચોરાઇ ગયું છે.સૂત્રો પરથી મળતી માહિતી અહીંથી આઇ.બી.ની ઓફિસ બહારથી તસ્કરોએ હાથ માર્યો હતો. શહેરની ગુજરાત ગુપ્તચર સંસ્થામાં કામ કરતા ફરિયાદી રૂદ્રસિંહ ઝાલાની બદલી હાલમાં ભુજ થઇ છે. ગત તા. 10/7ના તે તબીબી પરીક્ષણ અર્થે ગાંધીધામ આવ્યા હતા અને સરકારી બાઇક આઇ.બી.ની ઓફિસ બહાર પાર્ક કર્યું હતું. બાદમાં તા. 15/7ના ભરતભાઇ ગોસ્વામીએ તેમને ફોન કરી તમારું બાઇક બહાર ન હોવાનું કહ્યું હતું. આ બાઇકની તપાસ કરવા છતાં ક્યાંય મળ્યું નહોતું. આખરે ચોરે ખાખીનો પણ રોફ ન રાખ્યો. પોલીસ પરિવારો જ્યાં રહે છે ત્યાંથી પોલીસના સરકારી વાહનની ચોરીથી ભારે ચકચાર પ્રસરી હતી.