કચ્છમાં પોલીસ તંત્ર બનશે વધુ મજબૂત, 23 આઉટ પોસ્ટ પર બેસશે PSI, ગ્રામ્ય સુરક્ષા કવચથી ગામડે ગામડે પોલીસનો પહેરો વધશે
ભુજ – કચ્છના ગ્રામ્ય વિસ્તારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ હવે કચ્છની અંદરની 23 આઉટ પોસ્ટ ઉપર સીધા psi કક્ષાના અધિકારીઓને મુકવામાં આવશે.
અત્યાર સુધી આઉટ પોસ્ટ પર નાના સ્ટાફથી કામ ચાલતું હતું, પણ હવે સરકારએ મોટો નિર્ણય લીધો છે. કચ્છ જિલ્લામાં 23 આઉટ પોસ્ટ માટે psi કક્ષાની નવી જગ્યાઓ ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજનામાં પશ્ચિમ કચ્છ ભુજ અને પૂર્વ કચ્છ ગાંધીધામ એમ બંને વિસ્તારની આઉટ પોસ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માત્ર કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ બિન હથિયારી psi સંવર્ગની કુલ 200 નવી જગ્યાઓ ઉભી થશે, જેમાંથી સૌથી વધુ 23 જગ્યા એકલા કચ્છને ફાળવવામાં આવી છે.
આ નિર્ણયથી કચ્છના અંતરિયાળ ગામડાઓમાં પોલીસની હાજરી વધશે, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ગામડાના લોકોને તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે.