ભુજના કુકમા ગામના સીમાડે ઓઈલના સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ

image

ભુજ તાલુકાના કુકમા ગામના સીમાડામાં ઓઈલ ડેપોમાં ભીષણ આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી થોડા-થોડા સમયે ઓઈલ ભરેલાં ટેન્કર ફાટવાના અવાજથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ભુજ ફાયર ટીમ, પોલીસ, આર્મી  તેમજ બીકેટી, વેલસ્પન અને કંડલાથી અગ્નિશામક દળ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા કામગીરી આદરી હતી, પરંતુ હજુ આ લખાય છે ત્યાં સુધી આગ કાબૂમાં આવી નથી. આ ભીષણ આગ અંગે માહિતગારો પાસેથી મળેલી વિગતો મુજબ કુકમાના સીમાડે રેલવેના પાટા પાસે ઓઈલ ડેપોમાં બપોરે 3.30 વાગ્યાના અરસામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતાં ગ્રામજનો ભયભીત બન્યા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને પાંચ કરતાં વધુ ઓઈલ ભરેલાં ટેન્કરોના ધડાકા થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આગના ધુમાડા કુકમા ઉપરાંત લાખોંદ અને શેખપીર ચોકડી સુધી દેખાયા હતા. આ ભયાવહ આગના પગલે ઘટનાસ્થળે ભુજની ફાયર ટીમ ઉપરાંત આર્મી સ્ટેશન ફાયર ફાઈટરની અને એરફોર્સની એક-એક ટીમ પહોંચી હતી. આ ઉપરાંત બીકેટી અને વેલસ્પન કંપનીના લાયબંબા પણ પહોંચી આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી તેમજ આગમાં કેટલા ટેન્કરોને નુકસાન થયું, કેટલું ઓઈલ સળગ્યું અને મિલકતને કેટલું નુકસાન થયું તે અંગે પણ સત્તાવાર વિગતો ઉપલબ્ધ બની નથી. સાંજે આશરે 9:30 વાગ્યા સુધી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઓઈલ ડેપો ઉપરથી પસાર થતો 132 કે.વી. વીજલાઈનનો વાયર પણ તૂટી ગયો હતો. આ સ્થળે ચાઈનાક્લે માટીના પ્રોસાસિંગ માટેની મંજૂરી હોવા અંગે ચર્ચા છે, જ્યારે એકમમાં કેમિકલ તથા ઓઈલના સંગ્રહ અને કામગીરી અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. જો ખરેખર ચાઈનાક્લે પ્રોસાસિંગ માટેની મંજૂરી હેઠળ અન્ય પ્રકારની કામગીરી થતી હોય તો તેની સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવા જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ તથા ટેન્કરોની અવરજવર રહેણાંક અને ગ્રામ્ય વિસ્તારની નજીક થતી હોય તો આગ જેવી ઘટનામાં મોટું જોખમ ઊભું થઈ શકે છે, જેથી આગની ઘટના બાદ સંબંધિત સરકારી વિભાગો, ગ્રામ્ય પંચાયત તથા પોલીસ તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી એકમ પાસે કઈ કઈ મંજૂરી છે, કયા પ્રકારની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી છે તેમજ અગ્નિસુરક્ષા સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેમજ સમગ્ર ઘટનાની ચોક્કસ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ બુઝાવવાની કામગીરી સાથે સ્થળની સુરક્ષા વ્યવસ્થા પણ સંભાળવામાં આવી હતી. – ફોમ ખૂટતાં કંડલાથી આવ્યા…આવી ઘટ જોખમને આમંત્રણરૂપ : ઓઈલના ટેન્કરમાં લાગેલી આ ભીષણ આગ બુઝાવા ફોમનો મારો જરૂરી બન્યો હતો. પશ્ચિમ કચ્છના ફાયર ટીમ પાસેના ફોમ ખૂટતાં ખાસ કંડલા-ઈફકોથી ફોમ સાથેની ફાયર ટીમ રાતે ઘટનાસ્થળે પહોંચી હતી. આમ ફોમ ખૂટવાની બાબત સામે આવતાં જાગૃતોમાં કચવાટ વ્યાપ્યો હતો. આવી આપાતકાલીન સ્થિતિમાં ફોમ ખૂટી જવું વધુ જોખમને આમંત્રણ સમાન હોવાથી આવી બેદરકારી ચલાવી ન લેવાય. આથી જરૂરી તપાસની માંગ પણ જાગૃતોએ કરી છે. – જવાબદાર તંત્રે ફોન ન ઉપાડયા : આ ભીષણ આગ સંબંધે વિગતો મેળવવા ભુજના ઝોન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જવાબદારોના ફોન સતત નો રિપાલ્ય થતાં ઘટના અંગે વધુ વિગતો મેળવી શકાઈ નહોતી. ઘટનાને લઈ ઊઠેલા રહસ્યના તાણાવાણા આ કારણે વણઉકેલાયેલા રહ્યા હતા.