પહેલી ધરપકડ ગેરકાયદેસર ઠરી તો ફરીથી મેજિસ્ટ્રેટની મંજૂરી

દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં કહ્યું હતું કે, કોઈ વ્યક્તિની ધરપકડ કરતી વખતે તેને ધરપકડનું કારણ લેખિતમાં બતાવવું જરૂરી છે. જો કારણ નહીં અપાય તો તેવી સ્થિતિમાં ધરપકડ ગેરકાયદે ગણાશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આવી ધરપકડ બાદ વ્યક્તિને મુક્ત કરી દેવાય અને અન્ય તપાસ એજન્સી તેની ફરી ધરપકડ કરવા માગે છે, તો પોલીસ સીધો તેને નહીં પકડી શકે, પરંતુ તેના પહેલાં મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં, પરંતુ પહેલી ધરપકડમાં નિયમોનો ભંગ કરનાર પોલીસ અધિકારી વિરુદ્ધ વિભાગીય તપાસ થશે તેવી ચેતવણી પણ અદાલતે આપી હતી.બીજીવાર ધરપકડની સ્થિતિમાં મામલાની આગળની તપાસ બીજા અધિકારીને સોંપાશે તેવું જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને અતુલ ચંદુરકરની ખંડપીઠે જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું હતું કે, ધરપકડનું કારણ સમજાય તેવી સરળ ભાષામાં લખીને આપવું ફરજિયાત છે. આ માત્ર કોઈ કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ નાગરિકનો કાનૂની અને મૂળભૂત અધિકાર છે, તેવું ખંડપીઠે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બંધારણની કલમ 22 (1) આરોપીને ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે. બીજીવાર ધરપકડના સંજોગોમાં પોલીસે મેજિસ્ટ્રેટને મંજૂરી મેળવવા અરજી કરવી પડશે. અરજીમાં બીજી વખત ધરપકડનું કારણ, પહેલી વાર ધરપકડ વખતે કારણ કેમ ન અપાયું તેવી માહિતી આપવી પડશે. અદાલતે એવું પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે અધિકારીએ પહેલી ધરપકડમાં બંધારણીય નિયમનું ઉલ્લંઘન કર્યું છે, તેને બીજીવાર ધરપકડનો ફેંસલો લેવાની અનુમતિ ન આપી શકાય.બીજીવાર ધરપકડની અરજી પર તેના વરિષ્ઠ અધિકારીની સહમતી જરૂરી રહેશે, તેવું કોર્ટે જણાવ્યું હતું.સુપ્રીમે આ નિર્દેશ શિરોમણી અકાલી દળના મુલ્લાંપુર દાખા વિધાનસભા ક્ષેત્રના પ્રભારી અસર કરનજિતસિંહની અપીલ પર આપ્યો હતો.