“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભુજ નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં ૦૧ થી ૦૬નો સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભુજ નગરપાલિકા કક્ષાનો “૧૨માં તબક્કાનો” વોર્ડ નં ૦૧ થી ૦૬ નો સેવાસેતુ કાર્યક્રમનો આયોજન આજરોજ તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકાના સભાખંડ મધ્યે કરવામાં આવ્યું હતું.
આજના આ સેવા સેતુ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી મહેશભાઈ નાકીયા, ભુજ શહેર ભાજપ ના પ્રમુખ મીતભાઈ ઠક્કર અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદએ જણાવ્યું હતું કે સેવાસેતુ જેવી પહેલનો મૂળ હેતુ એ છે કે સરકારની સેવાઓ માટે નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, પરંતુ સરકાર પોતે નાગરિકોના દ્વારે પહોંચે. ટેકનોલોજી અને વહીવટી વ્યવસ્થાના માધ્યમથી વિવિધ સરકારી સેવાઓને લોકોની નજીક પહોંચાડવાનું આ એક મહત્વપૂર્ણ કાર્ય છે. આપણા કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે વિશિષ્ટ જિલ્લામાં આવી સેવા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. દૂરના ગામડામાં રહેતા આપણા નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે, કોઈ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે અને સામાન્ય માણસનો સમય તથા ખર્ચ બચે- આ સેવાસેતુ કાર્યક્રમની સાચી સફળતા છે.
આ પ્રસંગે કચ્છ સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ‘સબકા સાથ સબકા વિશ્વાસ’ના મંત્ર સાથે વિકાસને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ આપ્યો છે. ગુજરાત સરકાર પણ લોકકલ્યાણ અને જનસેવાને કેન્દ્રમાં રાખીને અનેક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવી રહી છે. મારી સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને વિનંતી છે કે સેવાસેતુમાં આવતા દરેક નાગરિકને માત્ર અરજદાર તરીકે નહીં, પરંતુ આપણા પરિવારના સભ્ય તરીકે સેવા આપીએ. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગજનો, મહિલાઓ, ખેડૂતો અને જરૂરિયાતમંદ પરિવારોને યોજનાઓનો યોગ્ય લાભ મળે તે માટે સંવેદનશીલતા સાથે કામગીરી કરીએ.
આ પ્રસંગે ભુજ ના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે અને લોકો તેનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અને કોઈને તકલીફના વેઠવી પડે તે હેતુ થી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં છેવાડાના માનવીનું પણ સહેલાઈથી કામ થાય અને વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે એ હેતુ થી સરકારશ્રી આવી યોજનાઓ અને આવા કાર્યક્રમો કરતી હોય છે. પહેલા અરજદારોને અલગ અલગ કચેરીઓમાં જવું પડતું હતું આજે એક જ સ્થળે અરજીઓનો નિકાલ થાય છે એ પછી આવકના દાખલા હોય કે રાશનકાર્ડ માં નામ ઉમેરવાનું હોય કે બેંકમાં નવું ખાતું ખોલાવાનું હોય કે પછી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાના હોય તેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે. આવનારા દિવસોની અંદર હજુ પણ આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ સેવા સેતુ અંતર્ગત અંદાજીત ૩૦૨ જેટલી આવેલ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, કચ્છ જીલ્લા ભાજપના હોદ્દેદારો, ભુજ શહેર ભાજપના હોદ્દેદારો, ભુજ નગરપાલિકાના નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહએ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિન્કલબેન પટેલે જણાવી હતી, આ કાર્યક્રમની આભારવિધિ મ્યુનીસીપલ ઈન્જીનીયર મહેઝબીનબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સ્ટોર બ્રાંચ વતી દક્ષેશભાઈ ભટ્ટ અને એન.યુ.એલ.એમ શાખાના મેનેજર કિશોર શેખા તથા નગરપાલિકાના સ્ટાફે જહેમત ઉઠાવી हती.