આજરોજ કારોબારી સમિતિની મળેલ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા

તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ અંગે કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજ શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ ગ્રાન્ટ અંતર્ગત મંજૂર થયેલા વિકાસ કાર્યોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એમ.પી. તથા એમ.એલ.એ. ગ્રાન્ટના વિકાસ કાર્યો ઉપરાંત સેનેટેશન શાખાના સાધનો માટે પણ જરૂરી મંજૂરી આપવામાં આવી હતી જેમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે અંદાજિત માસિક રૂ. ૨૪.૬૮ લાખ તેમજ સફાઈ કામગીરી માટે જરૂરી સાધનો માટે અંદાજિત માસિક રૂ. ૪૦ લાખના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી ભુજ શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં વધુ સુધારો થશે અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટનો સફાઈકામ માટે ઉપયોગ થઈ શકશે, જેને કારણે ભુજ નગરપાલિકાના સ્વભંડોળ પર ભારણ ઓછું પડે પડશે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિત વિવિધ ગ્રાન્ટોના ઉપયોગથી રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સંતુલિત અને સર્વાંગી વિકાસ માટે નવીન ધારાધોરણો અપનાવી વિકાસકાર્યોને વધુ ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ચીફ ઓફીસરશ્રી ટ્વીન્કલબેન પટેલ, કારોબારી સભ્યો મનુભા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, મયંકભાઈ રૂપારેલ, ચંદ્રેશભાઈ રબારી, હસ્મીતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.