કાસેઝ વેરહાઉસ સોપારી કાંડમાં બે અધિકારીનાં નિવેદન લેવાયાં !
ગાંધીધામ, શહેરના કાસેઝમાં આવેલા એક વેરહાઉસમાંથી 30 મેટ્રિક ટન જેટલી સોપારી, તંબાકુના ટોક ઓફ ધ ટાઉન બનેલા પ્રકરણમાં કન્ટેનરો ઘુસાડનારા કાસેઝના બે અધિકારીનાં નિવેદનો લેવાયાં હોવાનું સપાટી ઉપર આવ્યું છે.સૂત્રો પરથી મળતી માહિતી શહેરના કાસેઝનો સોપારી કાંડ કેડો નથી મૂકતો. સમયાંતરે અહીં સોપારી કાંડ ચર્ચામાં જ રહે છે. અગાઉ આખેઆખી ટ્રક બોર્ડર રેન્જની ટીમે આધોઇ પાસેથી પકડી પાડી હતી. જો કે, તેમાં પણ પાછળથી કાંઇ થયું નહોતું ત્યારે હાલમાં પકડાયેલી સોપારીના પ્રકરણમાં તંત્ર મૂળ સુધી જઇને ખરા માસ્ટરમાઇન્ડને જેલના સળિયા પાછળ ધકેલશે કે કેમ તે પ્રશ્ન છે. અહીંના એક વેરહાઉસના પરિસરમાંથી ડી.આર.આઇ.એ 30 મેટ્રિક ટન જેટલા સોપારી, તંબાકુ પકડી પાડયા હોવાનું જણાવ્યું હતું. આ પ્રકરણમાં તંત્ર કોઇ ઢીલાશ મૂકવા તૈયાર ન હોય તેમ કાસેઝના નવનીત અને કર્મચારીઓને બોલાવી નિવેદનો લેવાયાં હોવાનું પણ કાસેઝના સૂત્રોએ જણાવ્યું હતું. બંને કર્મીઓની સવારની પાળી હતી છતાં સાંજે આવીને આ કન્ટેનર ઘુસાડવામાં મદદ કરી હોવાનું પણ સપાટી ઉપર આવ્યું છે. આવી બેનામી કામગીરી માટે મોટી માત્રામાં `પ્રસાદી’ મેળવાતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રસાદીની લહાયમાં સોપારી સાથેસાથે દેશવિરોધી પ્રવૃત્તિ નહીં કરાતી હોય તેની શું ખાતરી તેવા સવાલો જાણકારો કરી રહ્યા છે. આંતરિક સૂત્રો મુજબ હાલમાં આ બંને કર્મીઓનાં નિવેદન બાદ વેરહાઉસના સંચાલક કે માલિક સુધી ગાળિયો કસવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે. આ પ્રકરણમાં વેરહાઉસની ખરેખર શું ભૂમિકા છે ? ખરેખર તે આ કૌભાંડથી અજાણ્યા હતા કે પછી પોતે પણ સંડોવાયેલા છે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે.