804 કરોડનાં કૌભાંડમાં સી.એ.ના આગોતરા રદ:ગાંધીધામ
આવકવેરા વિભાગ અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા 804.30 કરોડના નાણાકીય કૌભાંડ સંબંધિત ગુનામાં અહીંની કોર્ટએ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા જામીન ફગાવી દઇ ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર 2021-22થી 2024-25 દરમ્યાન આરોપીઓએ સંગઠિત કાવતરું રચી કંપનીઓ, સંસ્થાઓના બોગસ ફોર્મ 15-સીબી પ્રમાણપત્ર તૈયાર કર્યા હતા. આ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ આવકવેરા વિભાગ સામે સાચા તરીકે કરીને રૂા. 804.30 કરોડનો નાણાકીય લાભ મેળવી સરકાર સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ છે. આ પ્રકરણમાં અલગ-અલગ સી.એ. સહિતના શખ્સો સામે ગુનો દર્જ થયો હતો તે પૈકી સી.એ.એ અહીંની કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી. તેણે રૂા. 7.28 કરોડના જ સર્ટિફિકેટ જારી કર્યા હોવાનો બચાવ કરાયો હતો. સરકારી વકીલ એ આ જામીનનો સખત વિરોધ કર્યો હતો. આવકવેરા વિભાગના દરોડા દરમ્યાન આ કૌભાંડ સામે આવ્યું છે. આરોપીએ અગાઉ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી, જે બાદ પરત ખેંચી લીધી હતી. વિદેશમાં મોકલાયેલા નાણાંના વાસ્તવિક લાભાર્થી કોણ છે અને નાણાંનો ઉપયોગ કોઇ ગેરકાયદેસર કે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો છે કે કેમ તે કાવતરાનું સત્ય બહાર લાવવા કસ્ટડીમાં પૂછપરછ અત્યંત જરૂરી હોવાની દલીલો સરકારી વકીલે કરી હતી. ન્યાયાધીશ બંને પક્ષોને સાંભળી નોંધ્યું હતું કે આવકવેરા કાયદાની કલમ 90(4) મુજબ ડી.ટી.એ.એ.નો લાભ મેળવવા માટે વિદેશી પ્રાપ્તકર્તાનું ટી.આર.સી. હોવું આવશ્યક છે. આ કેસમાં જરૂરી ટી.આર.સી. વગર જ ફોર્મ 15-સી.બી. જારી કરી ટી.ડી.એ.એ.ના લાભ મેળવ્યાનો ગંભીર આરોપ છે. આ માત્ર દસ્તાવેજો મેળવવાનો મુદ્દો નથી, પરંતુ કાવતરાંની આખી શૃંખલા, નાણાકીય વ્યવહારોનો સ્રોત અને સહઆરોપીઓ સાથેનો સંબંધ તપાસવા માટે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી હોવાની શક્યતા નકારી શકાય નહીં. ગુનાની ગંભીરતા, રકમના કદને ધ્યાનમાં રાખીને અદાલતે સી.એ. ના આગોતરા ફગાવી દીધા હતા.