વરસામેડીમાં પત્નીની નજર સામે પતિનાં મોતથી ખળભળાટ

અંજારના વરસામેડીમાં એરપોર્ટ રોડ ઉપર માર્ગમાં ખાડાનાં કારણે બાઇક સવાર દંપતી નીચે  પટકાયું હતું. બાદમાં પાછળથી આવતું ટેન્કર યુવાન પરથી ફરી વળતાં તેણે દમ તોડયો હતો. વરસામેડી ઇન્ડિયા કોલોનીમાં રહી અને વેલસ્પન કંપનીમાં કામ કરનાર દંપતી તથા તેના પતિ ને ગત તા. 23/9ના બપોરના અરસામાં અકસ્માત નડયો હતો. શાંતિધામમાં બુધવારે બજાર ભરાતી હોવાથી બંને બાઇક પર સવાર થઇને પોતાના ક્વાર્ટરથી શાંતિધામ આવી રહ્યા હતા તે એરપોર્ટ પર નાઇન્થ એવેન્યુ સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યારે માર્ગમાં ખાડાના કારણે બાઇક ચાલકે કાબૂ ગુમાવતાં બંને  નીચે પટકાયા હતા. દરમ્યાન પાછળથી આવતું ટેન્કર આ યુવાન પરથી ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે  ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેની પત્નીએ ટેન્કરચાલક સામે ગુનો દર્જ કરાવ્યો હતો. બીજી બાજુ આદિપુરમાં એક આધેડ એ એસિડ પી લઇ છેલ્લા શ્વાસ લીધા હતા.વધુ એક બનાવ આદિપુરમાં ધોરાજી ડેરો 4-બીમાં બન્યો હતો. સિંધુવર્ષા સોસાયટીમાં રહેનાર આધેડ અહીં આવ્યા હતા અને અગમ્ય કારણોસર એસિડ પી જતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મુંદરા તાલુકાના શિરાચામાં પાણીના ખાડામાં ડૂબવાથી 41 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. મુંદરાના શિરાચામાં એસ.વી.ટી. કોલોનીમાં રહેતો મૂળ ઝારખંડનો શ્રમિક ગત તા. 21/9થી 23/9 દરમ્યાન કોઇપણ સમયે તેની જ કોલોનીની બાજુમાં આવેલા પાણીના ખાડામાં કોઇ કારણે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ગઇકાલે મુંદરા પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.