નલિયા ખાનગી સોલાર કંપની સામે અંતે P.G.V.C.L.એ પોલીસ ફરિયાદ કરી

નલિયા પાસે નિર્માણ પામતા ખાનગી સોલાર એકમના કામમાં પી.જી.વી.સી.એલ.ની લાખોની સામગ્રીનો ગેરઉપયોગ થયો અને ક્યાંક અન્ડરગ્રાઉન્ડ કેબલ પણ વીજતંત્રના જ વપરાયા હોવાના હેવાલ પ્રગટ કરતા અંતે નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ખાનગી સોલાર કંપની અકૃતિ એન્ટરપ્રાઈઝનું કામ જોવા અને વીજ જોડાણ માટે મીટર વગેરેની કામગીરી કરવા ગયેલી નખત્રાણા પી.જી.વી.સી.એલ.ની ટીમનું શંકા સાથે ધ્યાન ગયું કે, અહીં જે માલ-સામાન વપરાયો છે તે ખાનગી નથી. ટીમે તપાસ કરતાં તેમાં પી.જી.વી.સી.એલ.ના માર્કો લગાડેલા જોવા મળ્યા હતા. અમુક સાધનોમાં તો પી.જી.વી.સી.એલ.ના માર્કો પણ ઘસી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી કંપની સોલાર પ્લેટ લગાડીને સૌર ઊર્જા માટે ખાનગી જમીનમાં માળખું ઊભું કરે છે તેમાં બધા જ સાધનો ખાનગી રીતે ખરીદી કરાયેલા હોવા જોઈએ. જાણકારોએ તો એટલે સુધી માહીતી આપી કે, જે ભૂગર્ભ કેબલ પણ તંત્રનો ચોરાયેલો હોઈ શકે છે. થોડા દિવસો પહેલાં જ નખત્રાણા ડિવિઝનના ગોડાઉનમાંથી માલ-સામાનની મોટાપાયે ચોરી પણ થઈ હતી. આ માલ-સામાન અહીં વપરાયો છે કે નહીં આ બાબતે તંત્રને શંકા જતાં જોડાણ આપવાનું કે મીટર લગાડવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. દરમ્યાન આજે નલિલા પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર નલિયા પોલીસ મથકમાં ફરિયાદ કરીને તપાસ માગી છે અને આગળની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.