*પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો*

f17b102e-2396-41dd-95d2-9030e241e882

ભારતીય જનસંઘના પ્રખર વિચારક અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જુના ભાજપ કાર્યાલય પાસે આવેલી દીનદયાલજીની પ્રતિમા પર હારારોપણ અને કચ્છ કમલમમાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને ભાવાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, અંત્યોદયના વિચાર અને રાષ્ટ્રસેવાના યોગદાનનું સ્મરણ કર્યું હતું.

કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનું જીવન અને તેમના વિચારો આજે પણ ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે. સમાજના અંતિમ પંક્તિના વ્યક્તિ સુધી વિકાસ અને કલ્યાણના લાભો પહોંચે તથા રાષ્ટ્રનિર્માણમાં સૌની ભાગીદારી જળવાઈ રહે તેવા તેમના વિચારોને સર્વે કાર્યકર્તાઓએ જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવો જોઈએ.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જીવનચરિત્ર અને રાષ્ટ્ર માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના વિચારોને જનજન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, આશિકાબેન ભટ્ટ, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપ મહામંત્રીઓ જીગરભાઈ શાહ, જયદીપસિંહ જાડેજા સહિત મંડલ અને મોરચાના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.