ત્રણ દિવસ બેંક બંધ રહેવાની ચિંતા ખતમ, વેપારીઓ અને ખાતેદારો એ રાહત નો શ્વાસ લીધો

છેલ્લા બે દિવસ થી બજાર માં એક જ ચર્ચા હતી કે સોમવાર થી બેંક બંધ રહેશે તો ધંધા નું શું થશે. પણ હવે એ ચિંતા નો વાદળ વિખેરાઈ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર ના રોજ જે દેશવ્યાપી હડતાળ ની જાહેરાત કરવામાં આવી હતી, તે હડતાળ હાલ પૂરતી ટાળવામાં આવી છે. એટલે સોમ, મંગળ અને બુધ ત્રણેય દિવસ બેંકો નું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

પાંચ દિવસ ના કામકાજ ની માંગ ને લઈ ને બેંક કર્મચારી મંડળ અને ઇન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે જે ઘમાસાણ ચાલતું હતું, તેમાં ગઈકાલે મોડી સાંજે એક મહત્વ ની બેઠક મળી હતી. આ બેઠક માં નક્કી કરવામાં આવ્યું છે કે કર્મચારીઓ ની રજા ની માંગ માટે એક હાઈ લેવલ કમિટી બનાવવામાં આવશે. આ બાંહેધરી મળતા જ કર્મચારી મંડળે હડતાળ પાછી ખેંચી લીધી છે.

આ નિર્ણય થી કચ્છ-સૌરાષ્ટ્ર ના હજારો વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય ખાતેદારો એ રાહત અનુભવી છે. હવે બેંક ના વ્યવહારો માં કોઈ અડચણ નહીં આવે.