તુણામાં આધેડ પર જીવલેણ હુમલો કરી કૂવામાં નાખી દેનારાને સાત વર્ષની સખત કેદ

તુણામાં વાડીએ સૂતેલા આધેડ ઉપર મોત નીપજાવવાના ઇરાદે પાઇપથી હુમલો કરી ઢસડીને કૂવામાં નાખી દેવાના પ્રકરણમાં આરોપીને તક્સીરવાન ઠેરવી તેને સાત વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ ચકચારી બનાવ કંડલા પોલીસ મથકે નોંધાયો હતો. આરોપીને તેના શેઠએ ડ્રાઇવિંગ કામ પરથી કાઢી મૂક્યો હતો, જે અંગે આ આરોપીએ ભોગ બનનાર આધેડ ફરિયાદી ઉપર શક વહેમ રાખ્યો હતો અને તા. 10/6/2024ના તુણા કંડલા બાયપાસ રોડ પર આવેલી ચાની કેબિને આધેડ સાથે ઝઘડો કરી તેમને જાતિ અપમાનિત કર્યા હતા. બાદમાં ભોગ બનનાર ફરિયાદી શેઠની વાડીએ તુણા ખાતે સૂતા હતા, જ્યારે મોડી રાત્રે આરોપી ત્યાં પહોંચ્યો હતો અને લોખંડના પાઇપથી આધેડ ઉપર હુમલો કર્યો હતો. હાથ, પગ ભાંગી નાખી આ આરોપી આધેડને ઢસડીને વાડીમાં આવેલા કૂવામાં ફેંકી દીધા હતા. મોત નીપજાવવાના ઇરાદે આધેડને કૂવામાં ફેંકીને આરોપી નાસી ગયો હતો. બીજા દિવસે વાડી માલિક વાડીએ આવ્યા બાદ આખી રાત કૂવામાં કણસતા  આધેડને બહાર કઢાયો હતો અને સારવાર અર્થે લઇ જવાયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ચાર્જશીટ રજૂ કરાઇ હતી. આ કેસ અહીંની અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં ફરિયાદ પક્ષે 27 સાહેદો અને 41 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા અને પુરાવા તપાસી ન્યાયાધીશ એલ.ડી.વાઘએ આ આરોપીને તક્સીરવાન ઠેરવ્યો હતો અને તેને જીવલેણ હુમલાની કલમો તળે સાત વર્ષની સખત કેદ તથા જુદી જુદી કલમો તળે કુલ રૂા. 12,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ સજાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજા હાજર રહી ધારદાર અને તર્કબદ્ધ રીતે દલીલો રજૂ કરી હતી.