પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદેસર આયાત કૌભાંડ ખુલ્લું પડયું :કંડલા ખાતે પૂણે ડી.આર.આઈ. ત્રાટકી

પુલવામા હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી આવતી તમામ ચીજવસ્તુઓ પર આકરાં નિયંત્રણો અને 200 ટકા કસ્ટમ ડયુટી લાગુ કરીને એક પ્રકારે પ્રતિબંધિત જેવો માહોલ સર્જી દેવામાં આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી તેમ છતાં, સરહદી કચ્છ જિલ્લાના કંડલા બંદર મારફતે ગેરમાર્ગે પાકિસ્તાની માલ-સામાન ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં કંડલા બંદર પર પાકિસ્તાની મૂળના ખજૂર કૌભાંડમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પાકિસ્તાની `રોક સોલ્ટ’ નું નવું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.  મળતી વિગતો મુજબ એક મહિલા આયાતકાર દ્વારા પાકિસ્તાની મૂળનું રોક સોલ્ટ ગેરકાયદેસર રીતે અથવા નિયમોનો ભંગ કરીને મગાવવામાં આવ્યું હોવાની ગુપ્ત ચોક્કસ બાતમી પૂણે DRIને મળી હતી. આ બાતમીના આધારે પૂણેની એજન્સી તુરંત સક્રિય થઈ હતી અને કંડલા બંદર ખાતે દોડી આવી હતી. ડીઆરઆઈની ટીમે બંદર પર લંગારેલા સંદિગ્ધ કન્ટેનરોનું બારિક નિરીક્ષણ હાથ ધર્યું હતું.  છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી આ સઘન તપાસ દરમિયાન આ ટીમે પાકિસ્તાની રોક સોલ્ટથી ભરેલા 5ાંચ જેટલાં વિશાળ કન્ટેનરો ઝડપી પાડયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલાં આ પાંચેય કન્ટેનરમાં રહેલાં સેંધા નમકની આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બજાર કિંમત આશરે 25 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. આ કૌભાંડમાં આયાતકાર મહિલા ઉપરાંત માલ ખાલી કરાવવા અને કસ્ટમ ક્લિયરન્સ મેળવવાની ભૂમિકા ભજવનારા કસ્ટમ હાઉસ એજન્ટ તરીકે કામ કરતા શખ્સ તેમજ અન્ય એક શખ્સની ડીઆરઆઈ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ બંને શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.  પાકિસ્તાન પર મૂકવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને ભારે કસ્ટમ ડયુટીથી બચવા માટે આ માલ કયા ત્રીજા દેશ મારફતે ભારત લાવવામાં આવ્યો હતો કે પછી કાગળોમાં ખોટી વિગતો દર્શાવીને છુપાવવામાં આવી હતી, તે દિશામાં પૂણે અને સ્થાનિક ડીઆરઆઈની ટીમ તપાસ ચલાવી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટાં નેટવર્ક કે આયાતકાર સિન્ડીકેટની સંડોવણી છે કે કેમ તે અંગે પણ આગામી દિવસોમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા છે. આ ઘટના બાદ કંડલા અને મુંદરા બંદર પરથી થતી આયાત-નિકાસ પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સ વિભાગે ચાકિંગ વધુ સઘન બનાવી દીધું છે.