સમગ્ર કચ્છ જિલ્લામાં સેવા સેતુ, સેવા મેરા યોગદાન અને આરોગ્ય ચેતના પ્રોજેક્ટ હેઠળ વિવિધ આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને આંગણવાડીઓમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

કચ્છ જિલ્લામાં તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “સેવા સેતુ”, “સેવા મેરા યોગદાન” તથા “આરોગ્ય ચેતના પ્રોજેક્ટ” અંતર્ગત વિવિધ આરોગ્ય સંસ્થાઓ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે સઘન આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ એનિમિયા સ્ક્રીનિંગ, હિમોગ્લોબિન તપાસ, પોષણ જાગૃતિ, આયર્ન અને ફોલિક એસિડ (IFA) પૂરક વિતરણ, બિનચેપી રોગો (NCD)ની તપાસ, સફાઈ મિત્રોની આરોગ્ય ચકાસણી તેમજ વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મિરઝાપર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને PM-JAY અને નમો શ્રી યોજના અંગે માર્ગદર્શન, NCD સ્ક્રીનિંગ, ઉંમરના દાખલા તથા ઓપીડી સેવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત સુખપર ખાતે સફાઈ કામદારો માટે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરી હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદોને સ્થળ પર સારવાર અપાઈ હતી. સાથે જ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી હરીશભાઈ ભંડેરી, સુખપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમૃતબેન સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ ખાતે યોજાયેલા વિશેષ સફાઈ મિત્ર આરોગ્ય તપાસ અભિયાન અંતર્ગત કુલ ૪૮૧ સફાઈ મિત્રોની તબીબી તપાસ કરવામાં આવી હતી તેમજ ૬૭ સફાઈ મિત્રોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આ કેમ્પની સ્થાનિક સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી દ્વારા પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.
સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ભચાઉ ખાતે “સેવા મેરા યોગદાન” અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, જિલ્લા RCHO ડૉ. દિનેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નારાયણ સિંગ અને અધિક્ષક ડૉ. કે. કુમારના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રિશન અને એનિમિયા અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જેમાં કિશોરીઓ, માતાઓ અને સગર્ભા (ANC) બહેનોનું હિમોગ્લોબિન પરીક્ષણ કરી જરૂરી સલાહ તથા IFA ટેબ્લેટનું વિતરણ કરાયું હતું.
માતાના મઢ પીએચસી ખાતે “આરોગ્ય ચેતના પ્રોજેક્ટ” અને “સેવા મેરા યોગદાન” હેઠળ આરોગ્ય ઉત્સવ તથા એનિમિયા સ્ક્રીનિંગ યોજી લાભાર્થીઓને આયર્નયુક્ત આહાર અંગે માર્ગદર્શન, IFA વિતરણ અને સેનેટરી નેપકીન અપાયા હતા. ઉપરાંત રાપર તાલુકાના ફતેહગઢ પીએચસી, કોડકી પીએચસી, સુમરાસર શેખ હાઈસ્કૂલ, નાના ભાડિયા, વાલકા મોટા અંતર્ગત પાનેલી ગામ, સબ સેન્ટર લક્ષ્મીપર હેઠળ રામપર સરવા અને રવાપર-૨ ખાતે કિશોરીઓનું હિમોગ્લોબિન પરીક્ષણ કરી IFA ટેબ્લેટ તથા આંગણવાડીના બાળકોને આયર્ન સીરપ આપવામાં આવ્યા હતા.
રવાપર-૧ ખાતે આરોગ્ય ટીમે ૧૧ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને પોષણ, સ્વચ્છતા અને મોસમી રોગોથી બચવા અંગે સમજ આપી હતી. પીએચસી નિરોણા ખાતે “સેવા મેરા યોગદાન” હેઠળ ૩૨ કિશોરીઓનું વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન તપાસી જરૂરી કાઉન્સેલિંગ તથા સારવાર અપાઈ હતી. રતાડિયા પ્રાથમિક શાળા ખાતે તબીબી અધિકારી ડૉ. રિતુબેનના માર્ગદર્શનમાં આરોગ્ય કર્મચારીઓએ બાળકોની તપાસ કરી હતી, જ્યારે વાંકી પીએચસી હેઠળ વિરાણીયા ગામ ખાતે પણ સેવા સેતુ યોજી વિવિધ આરોગ્ય યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સમગ્ર જિલ્લા વ્યાપી આયોજનમાં તબીબી અધિકારીઓ, CHO, FHS, MPHS, ANM, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોએ ઉપસ્થિત રહી કામગીરી સફળ બનાવી હતી.