ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ સાથે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા વિવિધ પાકોના લઘુતમ ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ડાંગર (કોમન) માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૪૪૧, ડાંગર (ગ્રેડ-એ) માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૪૬૧ તેમજ મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૪૧૦ નો ભાવ નિયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૯૦૦ સાથે રૂ. ૩૦૦ વધારાનું બોનસ, જુવાર (હાઇબ્રિડ) માટે રૂ. ૪૦૨૩ સાથે રૂ. ૩૦૦ બોનસ, જુવાર (માલદંડી) માટે રૂ. ૪૦૭૩ સાથે રૂ. ૩૦૦ બોનસ તથા રાગી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૨૦૫ સાથે રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ વધારાનું બોનસ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ તમામ પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે.

        લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના ખેડૂત ખાતેદારો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા આગામી તારીખ ૦૨/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફતે કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોની આ નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. ટેકાના ભાવે પાકની ખરીદી તારીખ ૧૬/૧૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૭ દરમિયાન કરવામાં આવનાર હોવાથી તમામ ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવી લેવા જણાવાયું છે.

        નોંધણી કરાવવા માટે ખેડૂતોએ જરૂરી આધાર-પુરાવા સાથે રાખવાના રહેશે, જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨ અને ૮-અ તેમજ જો પાકની વાવણી અંગેની નોંધ ૭/૧૨ કે ૮-અ માં થયેલી ન હોય તો તલાટી-કમ-મંત્રીના સહી-સિક્કાવાળો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતના નામના બેંક ખાતાની વિગતો દર્શાવતી પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો ટેકાના ભાવે ઉપજ વેચવા માંગતા હોય તેમના માટે આ ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

        ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને પાક ખરીદી અંગેની જાણ એસએમએસ (SMS) મારફતે કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ ખરીદી કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા પુરાવા અપલોડ થયેલા જણાશે તો સંબંધિત ખેડૂતનો ખરીદી ક્રમ રદ કરવામાં આવશે અને તેમને ખરીદી અંગે જાણ કરવામાં આવશે નહીં, જેની ખેડૂતોએ નોંધ લેવી. આ નોંધણી પ્રક્રિયા સંદર્ભે કોઈપણ મુશ્કેલી કે માર્ગદર્શન મેળવવા માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકાશે તેમ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડ ભુજ કચેરી દ્વારા જણાવાયું છે.