કચ્છમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ યોજાઈ

talim health pressnote kachchh bhuj P01

કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ (NLEP) ને વધુ અસરકારક બનાવવા તેમજ રક્તપિત્તના દર્દીઓનું વહેલું નિદાન અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયત, કચ્છની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર, ભુજ ખાતે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

તાલીમ દરમિયાન જિલ્લા ક્ષય અધિકારીશ્રીએ ઉપસ્થિત મેડિકલ ઓફિસરોને NLEP અંતર્ગત રક્તપિત્તના દર્દીઓની ઓળખ, ચોક્કસ નિદાન પદ્ધતિ, નિયત સારવાર અને દર્દીઓના ફોલોઅપ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ રક્તપિત્તના સામાન્ય લક્ષણો, વહેલા નિદાનની અગત્યતા, સારવાર પ્રક્રિયા તેમજ આ રોગને કારણે શરીરમાં થતી સંભવિત વિકલાંગતા અટકાવવા માટે લેવાના થતા પગલાં અંગે તબીબોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ એક દિવસીય તાલીમ સત્રમાં ખાસ કરીને રક્તપિત્તના દર્દીઓની વહેલી શોધખોળ કરવા, મલ્ટી ડ્રગ થેરાપી (MDT) દ્વારા દર્દીઓને સમયસર દવાઓ પહોંચાડવા, શારીરિક વિકલાંગતા નિવારવા તથા ગ્રામ્ય અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં આ રોગ અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી જનજાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે રક્તપિત્ત એ સંપૂર્ણપણે સાધ્ય અને મટી શકે તેવો રોગ છે. જો પ્રારંભિક તબક્કામાં જ તેનું નિદાન થઈ જાય અને દર્દી દ્વારા નિર્ધારિત સમય સુધી નિયમિત સારવાર લેવામાં આવે તો આ રોગમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાય છે. મેડિકલ ઓફિસરોને આપવામાં આવેલી આ તકનીકી તાલીમ થકી સમગ્ર જિલ્લામાં, ખાસ કરીને ગ્રામ્ય સ્તરે રક્તપિત્તના દર્દીઓની વહેલી ઓળખ અને સારવારની કામગીરીને વધુ ગતિ મળશે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે શરીર પર સંવેદના વગરનો આછો કે લાલાશ પડતો ડાઘ, ચામડી પર સુન્નપણું અથવા નસોમાં જાડાપણું કે ફેરફાર જણાય તો તેને જરાય અવગણવો નહીં અને તાત્કાલિક નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ કરાવવી. રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે કોઈપણ પ્રકારનો સામાજિક ભેદભાવ ન રાખી તેમને યોગ્ય સારવાર લેવા પ્રોત્સાહિત કરવા એ સમાજના દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.