ભચાઉ તાલુકાના ૧૫ ગામો તેમજ ભુજના માધાપર ખાતે જાહેર સ્વચ્છતા સુદૃઢ કરવા સામૂહિક શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવાશે

DRDA GRAMIN SEVA SETU P07

 કચ્છ જિલ્લામાં સ્વચ્છતા અને સ્વચ્છ ગામના નિર્માણના સંકલ્પ સાથે ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૬’ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો તેમજ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક શૌચાલયોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ શ્રેણીમાં રાપર તાલુકાના ફતેહગઢ ગામે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામૂહિક શૌચાલયનું ભૂમિપૂજન યોજાયું હતું. ધારાસભ્યશ્રીએ જાહેર સ્વચ્છતા સુવિધાઓના મહત્વ પર ભાર મૂકતા ગ્રામજનોને આ સામૂહિક શૌચાલયનો સુચારુ ઉપયોગ કરવા તેમજ ગામને સ્વચ્છ અને સુંદર રાખવામાં સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક સભ્યો તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભચાઉ તાલુકાના ૧૫ ગામો જેવા કે કકરવા, ભરુડીયા, કંથકોટ, માય, જુના કટારીયા, કણખોય, સામખીયારી, વોંધ, ચોબારી સહિતના સ્થળોએ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, સભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સામૂહિક શૌચાલય નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાથોસાથ ભુજ તાલુકાના માધાપર ગામે પણ સામૂહિક શૌચાલયના નિર્માણ માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. આ તમામ સ્થળોએ સંબંધિત ગામોના સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ગ્રામ્ય સ્તરે જાહેર આરોગ્ય અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સામૂહિક શૌચાલય અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને જ્યાં દરેક પરિવાર પાસે વ્યક્તિગત શૌચાલયની સુવિધા ન હોય ત્યાં આ વ્યવસ્થા ખુલ્લામાં શૌચ કરવાની પ્રવૃત્તિ અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ સુવિધાઓના નિર્માણની સાથે તેની નિયમિત સફાઈ, યોગ્ય જાળવણી અને જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે પણ ગ્રામજનોમાં જાગૃતિ કેળવવામાં આવી રહી છે. “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતાને કેવળ અભિયાન ન ગણતાં દૈનિક જીવનની કાયમી ટેવ બનાવવા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.