સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માનકૂવા ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધાનો સન્માન સમારોહ યોજાયો

રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની મુખ્ય ઉપસ્થિતિમાં માનકુવા સ્થિત પુરૂષોત્તમ વિદ્યાલય તથા શ્રી એમ.કે.એમ. વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાની વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાની વકૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસના અનેક સોપાન સર કર્યા છે. આ વિકાસયાત્રા અવિરત રહે અને વર્ષ ૨૦૪૭માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને તેવું વડાપ્રધાનશ્રીનું સપનું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે આજના વિદ્યાર્થીઓ, જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તે મહત્વનો ભાગ ભજવશે. તેમણે દરેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે પોતાનામાં રહેલી વિવિધ કૌશલ્ય શક્તિઓને ઉજાગર કરીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ થયેલો સેવા સંકલ્પ કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે સિદ્ધિ સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મોખરે રહ્યો છે. જિલ્લામાંથી ચિત્ર સ્પર્ધામાં ૧.૬૫ લાખથી વધુ, વક્તૃત્વ સ્પર્ધામાં ૩૩ હજારથી વધુ અને રંગોળી સ્પર્ધામાં ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રીના જાહેર સેવાના ૨૫ વર્ષના નેતૃત્વનું ઉદાહરણ આપીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે પોતાની પ્રતિભા ઓળખી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી થઈ કૌશલ્ય દર્શાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારતના ભવિષ્યને નવો ઓપ આપવા અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં આજના વિદ્યાર્થીઓને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન માનકુવા પુરૂષોત્તમ વિદ્યાલય ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શન તથા શ્રી એમ.કે.એમ. વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ બનાવેલી રંગોળીઓનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાળકોની કલાને બિરદાવવામાં આવી હતી.
આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હરીશભાઇ ભંડેરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ રૂડાણી, જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, માનકુવા સરપંચશ્રી રમેશભાઈ ભૂડીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, આગેવાનશ્રી ભીમજીભાઇ જોધાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેશદાન ગઢવી, માનકુવા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી શિવજીભાઈ પુંજાણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કર તથા શ્રીમતી ભૂમિબેન ચોક્સીએ કર્યું હતું.