રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં અંજાર ખાતે ‘આંગણ મિલન સેવા-૨૦૨૬’ અને સ્વચ્છતા સેવા યોગદાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

66

  ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા ‘આંગણ મિલન સેવા–૨૦૨૬’ તથા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા સેવા યોગદાન’નો જિલ્લાકક્ષાનો વિશેષ કાર્યક્રમ અંજાર શહેરી વિસ્તારના આંગણવાડી કેન્દ્ર–૨ ખાતે ખૂબ જ ઉત્સાહભેર માહોલમાં યોજાયો હતો.

              આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે અંજાર પ્રાંત ઓફિસરશ્રી, કચ્છ-ભુજ પ્રોગ્રામ ઓફિસરશ્રી, અંજાર મામલતદારશ્રી, સીડીપીઓશ્રી (CDPO) તથા અંજાર નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ. ટીમ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા.

             કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના શારીરિક, માનસિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેન્દ્રની કામગીરી અને સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાળકો તથા વાલીઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ સાધવામાં આવ્યો હતો.

         કેન્દ્રના તંદુરસ્ત બાળકો અને તેમના વાલીઓને વિશેષ ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.પ્રશંસનીય કામગીરી બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રેશન (THR) કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પાઠવવામાં આવેલ ખાસ શુભેચ્છા સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

         રાજ્યમંત્રીશ્રીના હસ્તે ૩ થી ૬ વર્ષના ૪૦ જેટલા ભૂલકાંઓને પાટી, પેન અને બુકનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરાયા હતા.

            આંગણવાડીના નાના-નાના બાળકો દ્વારા સ્વચ્છતા, મહાત્મા ગાંધીજીના આદર્શો તેમજ ‘ગુડ ફૂડ અને બેડ ફૂડ’ (પૌષ્ટિક અને અસ્વાસ્થ્યપ્રદ ખોરાક) જેવા વિષયો પર સુંદર નાટ્યાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સહુ કોઈએ બિરદાવી હતી. આંગણ ઉત્સવ–૨૦૨૬નો મૂખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ બાળમૈત્રીપૂર્ણ અને સુવિધાસભર બનાવવાની સાથે સમુદાયની ભાગીદારી વધારવાનો છે.

         કાર્યક્રમના અંતે રાજ્યમંત્રીશ્રી, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડીના પ્રાંગણમાં સ્વયં શ્રમદાન કરી ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું અને સમાજને સ્વચ્છતા જાળવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો. સાથે જ, સરકારની બાળ વિકાસ અને પોષણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.