ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર ખાતે ‘આંગણ મિલન સેવા- ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં અંજાર શહેરી વિસ્તારના આંગણવાડી કેન્દ્ર નં. ૨ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ શૈક્ષણિક અને સર્જનાત્મક વિકાસને વેગ આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી કેન્દ્રની કામગીરી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને બાળકો તથા તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે તંદુરસ્ત બાળકો અને તેમના વાલીઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશાવર્કરને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશનનું વિતરણ કરાયું હતું. સાથોસાથ, વાલીઓ અને કિશોરીઓને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા પાઠવવામાં આવેલો વિશેષ શુભેચ્છા સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આંગણ ઉત્સવ–૨૦૨૬નો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોને વધુ બાળમૈત્રીપૂર્ણ, સુવિધાસભર અને વિકાસલક્ષી બનાવવાની સાથે બાળકોના યોગ્ય ઉછેર અને સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને સ્થાનિક સમુદાયની ભાગીદારી વધારવાનો છે. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો મારફતે અપાતી વિવિધ સેવાઓ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં, આંગણવાડી કેન્દ્રના ૩થી ૬ વર્ષની વયના ૪૦ જેટલા ભૂલકાઓને રાજ્યમંત્રીશ્રીના હસ્તે પાટી, પેન અને નોટબુક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ આંગણવાડીની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને સરકારની બાળ વિકાસ તેમજ પોષણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આંગણવાડીના પ્રાંગણમાં સાફ-સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સમાજને સ્વચ્છતા અંગેનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અંજારના પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, અંજારના મામલતદારશ્રી, પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓશ્રી તેમજ અંજાર નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ.ની ટીમ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આશાવર્કરો અને બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.