ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

anjar seva setu karyakaram (3)

ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના ઉદ્દેશથી રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે વોર્ડ નંબર ૬ થી ૯ ના રહેવાસીઓ માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થાનિકકક્ષાએ જ અને સ્થળ પર નિકાલ લાવી શકાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

 આ સેવાસેતુ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સેવા સેતુના માધ્યમથી શહેરીજનોની તમામ પ્રકારની રજૂઆતોને એક જ સ્થળે સાંભળીને તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે, જેના પરિણામે શહેરીજનો અને વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું મજબૂત વાતાવરણ ઊભું થાય છે. રાજ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર આપવામાં આવતી સેવાઓને બિરદાવવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સેવા સેતુની કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

        આ કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષાર ઝાલરિયાએ સ્વાગત પ્રવચન થકી સૌને આવકાર્યા હતા

        સેવા સેતુ કાર્યક્રમમાં શહેરમાંથી ઉપસ્થિત અરજદારો માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં નિયત સમયમર્યાદામાં કુલ ૧૧૧ રજૂઆતો અને અરજીઓ નોંધાઈ હતી. અરજદારોએ વિભાગવાર ગોઠવાયેલા ટેબલો પર જઈને જરૂરી દસ્તાવેજો અને આધારો રજૂ કર્યા હતા, જે અંતર્ગત તમામ ૧૧૧ અરજીઓનો સંતોષકારક અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ ઉદવાણીએ કર્યું હતું અને આભારવિધિ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતરે કરી હતી.

        આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી, અંજાર મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, રાપર તાલુકા ભાજપ સહ પ્રભારી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ, નગરપાલિકાના કાઉન્સિલરો સર્વશ્રી ડાયાલાલભાઈ મઢવી, નિલેશગીરી ગોસ્વામી, અમિતભાઈ વ્યાસ, આનંદભાઈ પલણ, જયેશભાઈ બલદાણીયા, કલ્પનાબેન ગોર, પ્રીતિબેન માણેક, સોનલબેન મહેતા, સંદીપાબેન સાકરીયા, નીતાબેન ઠક્કર, હર્ષાબેન સોરઠીયા, ધનુબેન ગઢવી, મમતાબેન વેગડ, કુંદનબેન જેઠવા, ફરીદાબેન કુંભાર તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ઈલાબેન ચાવડા, મયુરભાઈ સિંધવ, પૂજાબેન બારમેડા અને હિતેનભાઈ હડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

        વધુમાં, નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે અંજાર નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, અર્બન હેલ્થ સેન્ટર, આઈ.સી.ડી.એસ., એસ.ટી. વિભાગ વગેરેના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રશ્મિન ભીંડેના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી.