મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના બાળકોએ કચ્છ કલેક્ટર કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી

school children visit Kachchh 2026 (2)

ભુજ સ્થિત મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે એક વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની કામગીરીથી બાળકો પરિચિત થાય તે હેતુથી આયોજિત આ મુલાકાતમાં શાળાના ફાઉન્ડર પ્રિન્સિપાલ શ્રી રાણી સાહેબ આરતી કુમારી જાડેજા તેમજ શિક્ષિકા શ્રી વિશ્વેશ્વરી કુમારી જાડેજા અને શ્રી સંગીતા ગોરના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ મુલાકાત દરમિયાન બાળકોએ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા સાથે મુલાકાત કરી હતી. કલેક્ટરશ્રીએ અત્યંત સહજતાથી બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે સમજ આપી તેમને દેશના સજાગ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ‘સચેત નાગરિક પર્યાવરણ રક્ષક’ મિશન અંતર્ગત બાળકોએ નવરાત્રી દરમિયાન માતાના મઢ માર્ગ પર સ્વચ્છતા જાળવવા અંગેનું એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું હતું, જે બાબતે કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ત્યારબાદ વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદનમાં આવેલી વિવિધ શાખાઓ જેવી કે આપત્તિ વ્યવસ્થાપન કક્ષ, ચૂંટણી શાખા, મહેસૂલ શાખા વગેરેની રૂબરૂ મુલાકાત લીધી હતી. સરકારી કચેરીઓમાં રોજેરોજની કામગીરી કેવી રીતે થાય છે, નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે અને જિલ્લાનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગેની પ્રત્યક્ષ જાણકારી બાળકોએ મેળવી હતી.

વિદ્યાર્થીઓએ કચેરીમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ તેમજ પોતાના કામ અર્થે આવેલા મુલાકાતીઓના ટૂંકા ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. આ પ્રવૃત્તિ થકી બાળકોમાં આત્મવિશ્વાસ વધવાની સાથે સરકારી કામકાજની પદ્ધતિઓ અંગે વ્યવહારુ જ્ઞાનનો ઉમેરો થયો હતો. વહીવટી તંત્રની આ શૈક્ષણિક મુલાકાત બાળકો માટે એક અત્યંત માહિતીપ્રદ અને યાદગાર અનુભવ બની રહી હતી.