‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી

image

તા. ૧૭/૦૯/૨૦૨૬ થી એક માસ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થઇ રહી છે, વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાનો વિકાસ થાય એ હેતુથી કચ્છની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ અભિયાન, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા અને આજ રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન આજ રોજ પુરુષોત્તમ વિદ્યાલય માનકૂવા તેમજ માનકૂવા કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલ માનકૂવા ખાતે કરવામાં આવેલ હતું.

શ્રી ત્રિકમભાઈ છાંગા, માનનીય મંત્રીશ્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ (રા.ક.)નાં મુખ્ય મહેમાન પદે યોજાયેલ આ કાર્યક્રમમાં માન. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માનનીય જિલ્લા પંચાયત કચ્છ અધ્યક્ષા શ્રીમતી પ્રભાબેન હુણ, માન. ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હરીશભાઈ ભંડેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી, શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી હિતેશભાઈ ખંડોર, મહિલા મોરચાનાં શ્રીમતી પારુલબેન કારા, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ, કચ્છ કલેકટર શ્રી અનિલ રાણાવસીયા, માનકૂવા કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કૂલ, માનકૂવા હાઈસ્કૂલના પ્રમુખ શ્રી શિવજીભાઈ પુંજાણી, વિવિધ શિક્ષક સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગણમાન્ય અગ્રણીશ્રીઓ અને આચાર્ય મિત્રો તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજ ની રંગોળી સ્પર્ધામાં ૩૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ અનાજની રંગોળી બનાવી હતી, તો વકતૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધામાં તમામ તાલુકા/એસ.વી.એસ./બી.આર.સી. કક્ષાએથી નંબર મેળવી જિલ્લા કક્ષાએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. નિર્ણાયક તરીકે વર્ગ ૨ આચાર્યશ્રીઓ, તેમજ જે તે ક્ષેત્રના તજજ્ઞ કેળવણીકારોએ સેવા આપી હતી.

કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાયા બાદ માનકૂવા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે ઉપસ્થિત મહાનુભાવોને આવકારી ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ થયેલ પ્રવૃત્તિઓનો ચિત્તાર આપ્યો હતો. શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રીનાં સુશાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં સૌને કાર્ય કરવાની તક મળવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘વિઝન ૨૦૪૭’ અન્વયે આવનારાં ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ કાર્યો થકી ભારતની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૨ લાખથી વધારે બાળકોએ ભાગ લઇ કચ્છ જિલ્લાનો દેખાવ સમગ્ર રાજ્યમાં અવ્વલ હોઈ અભિનંદન પાઠવી તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. વિશેષમાં ઉપસ્થિત સૌ બાળકોને તેમણે વિકસિત ભારતનો સંકલ્પ લેવા આહ્વાન કરી ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. શ્રી ત્રિકમભાઈ છાંગા (માન. મંત્રીશ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રા.ક.)એ આવી ઉત્તમ પ્રવૃત્તિ બદલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા શિક્ષણ તંત્રને અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ ભાગ લેનાર સર્વે બાળકોની કલાની કદર કરી ‘વિકસિત ભારત ૨૦૪૭’ માટે શિક્ષણ અને કલાના સમન્વયથી આપણા ભારત દેશને હજુ વધારે ઉચાઇ પર લઇ જવા હાકલ કરી હતી. ધોરણ ૭ના વિદ્યાર્થી ક્રિશીવ માંડલિયા તેમજ ચાવડા જાહલએ ‘વિકસિત ભારત’ વિષે ખૂબ જ સુંદર વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત સૌની દાદ મેળવી હતી. તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ વિજેતા બાળકોને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો આપવમાં આવ્યાં હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક સર્વ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, શ્રી મહેશદાન ગઢવી, શ્રીમતી કંચનબેન કૂક્સાલ, ટી.પી.ઈ.ઓ. શ્રી નીલેશભાઈ ગોર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સર્વ શ્રી પરેશભાઈ અજાણી, શ્રી મેહુલભાઈ પરમાર, શ્રી ઉમર ફારુક ખીરા, શ્રી જાતિનભાઈ નિમાવત, શ્રી ઇન્દ્રજીત સિંહ જાડેજા, પુરુષોત્તમ વિદ્યાલય માનકૂવાના આચાર્ય શ્રી મદનસિંહ ચાવડા, એમ.કે.એમ.એસ. માનકૂવા હાઈસ્કૂલના આચાર્ય શ્રી તેજસભાઈ પાઠક, બંને શાળાના સ્ટાફગણ તથા સમગ્ર ટીમ એજ્યુકેશન કચ્છએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ભૂમિબેન ચોકસી તેમજ શ્રી મનનભાઈ ઠક્કરે તો આભારવિધિ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાએ કરી હતી.