રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

પાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંદરા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ જાતે ગાય દોહી હતી.
રાજ્યપાલશ્રીએ જીવરાજભાઈ ગઢવીના જય માતાજી પ્રાકૃતિક ફાર્મમાં ગાય દોહીને ખેતીની આવક વધારવા પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પશુઓનું સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ કચ્છમાં ઇકો એગ્રો ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ફાર્મ ખાતે હોમસ્ટેને ખુલ્લું મૂક્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રીએ શાકભાજીનું હાર્વેસ્ટિંગ કરીને મલ્ટી લેયર શાકભાજી મોડેલને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે પ્રગતિશીલ ખેડૂત જીવરાજભાઈ સાથે સંવાદ કરતા તેમની પ્રાકૃતિક ખેતી તરફની સમર્પિતાની સરાહના કરી તેમની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રની ઉપલબ્ધતાને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી ગણાવી હતી. જીવરાજભાઈની મહેનતના કારણે એક સમયે રાસાયણિક ખેતીના કારણે બંજર બનેલી જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે ૨.૮૫ થી પણ વધારે હોઈ નોંધનીય બન્યો છે, તે બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.
આ ફાર્મની મુલાકાત વેળાએ ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોએ પણ રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા અન્ય પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.