આધુનિક જીવનશૈલી અને મોબાઈલની ટેવ વચ્ચે શારીરિક-માનસિક સ્વસ્થતા માટે દરરોજ યોગ-પ્રાણાયામ અનિવાર્ય: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળા ખાતે રાત્રિનિવાસ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને યોગ, આસન, પ્રાણાયામ અને ધ્યાનના શારીરિક તથા માનસિક ફાયદાઓ સમજાવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજના ભાગદોડભર્યા યુગમાં માનવી મોબાઈલનો આદતી બનતાં કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહે છે, જેના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ દરરોજ નિયમિત રીતે યોગાભ્યાસ માટે સમય ફાળવવો અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોથી ભારતની પ્રાચીન વિરાસત એવા યોગને આજે સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ ઓળખ અને સન્માન મળ્યાં છે.
જિમ અને યોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું કે, જિમથી માત્ર બાહ્ય દેખાવ સુધરે છે, જ્યારે યોગ અને પ્રાણાયામથી શરીરની આંતરિક ગ્રંથીઓ શુદ્ધ થાય છે અને શરીર અંદરથી મજબૂત બને છે. કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર શક્તિશાળી બને છે, માનસિક તણાવ દૂર થાય છે અને વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે છે.
રાજ્યપાલશ્રીએ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા યોગાસનોને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ કેળવવા તથા જીવનમાં ક્યારેય પણ કોઈ ભૂલ થાય તો તે પોતાના માતા-પિતા કે ગુરુજનોથી ન છુપાવતા તેમની આગળ ભૂલ સ્વીકારવા અપીલ કરી હતી.
આ યોગાભ્યાસમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને અભિનંદન પાઠવીને રાજ્યપાલશ્રીએ સૌને યોગ અને પ્રાણાયામને પોતાની દૈનિક જીવનશૈલીનો સદાય માટે ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.