સેવા સંકલ્પ અભિયાનની રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધાના આયોજન સામે સવાલો…

image

સ્થળમાં અચાનક ફેરફાર, માઈક-સાઉન્ડ સિસ્ટમ અને સ્ટેજની યોગ્ય વ્યવસ્થાના અભાવ સહિતની ક્ષતિઓ અંગે ABRSM- ગુજરાતની શિક્ષણમંત્રીને રજૂઆત…

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે યોજાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધાના આયોજન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્પર્ધાના આયોજનમાં રહેલી કથિત ક્ષતિઓ અને અવ્યવસ્થા અંગે વિવિધ જિલ્લા એકમો તરફથી રજૂઆતો મળતાં અનુદાનિત આચાર્ય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના પ્રતિનિધિઓએ રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સ્પર્ધા માટેના પરિપત્રમાં નિર્ધારિત ટાગોર હોલ, અમદાવાદના બદલે સ્થળમાં અચાનક ફેરફાર કરીને “સફલ” સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો વચ્ચે અંદાજે ૪૦૦થી ૫૦૦ મીટરનું અંતર હોવા છતાં સ્પર્ધકોને નવા સ્થળે પહોંચવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે.
વધુમાં, રાજ્યકક્ષાની સ્પર્ધાને અનુરૂપ સ્ટેજ, માઈક, સાઉન્ડ સિસ્ટમ અને નિર્ણાયકો માટેની યોગ્ય બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે પણ રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વાલીઓ અને શિક્ષકોને સ્પર્ધા નિહાળવા માટે બેસવાની મનાઈ ફરમાવવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
રજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર, રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધા માત્ર કાર્યક્રમ પૂર્ણ કરવાની ઔપચારિકતા બની ન રહે, પરંતુ વિદ્યાર્થીઓને પોતાની વક્તૃત્વકલા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટે યોગ્ય વાતાવરણ મળે તે જરૂરી છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પણ સ્ટેજ, માઈક, સાઉન્ડ સિસ્ટમ અને શ્રોતાઓ માટેની બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકતી હોય, ત્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં તેનાથી પણ વધુ સુવ્યવસ્થિત આયોજન થવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ઉમદા હેતુથી યોજાતા સેવા સંકલ્પ અભિયાનના કાર્યક્રમોની ગરિમા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી સ્પર્ધાઓમાં આયોજનની ખામીઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવા શિક્ષણમંત્રી સમક્ષ માગ કરવામાં આવી છે.
આ રજૂઆત અનુદાનિત આચાર્ય સંવર્ગના જિજ્ઞેશભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગના રાજેન્દ્રસિંહ રાઉલજી તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના મિતેષભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતી.