ભુજમાં દશેરાના દિવસે બાળકોને ગાંઠિયા-જલેબીનો ભરપેટ અલ્પાહાર કરાવાયો

ડો. કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ્ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળનો સેવાકીય ઉપક્રમ; નવરાત્રિની સ્પર્ધાઓના વિજેતા બાળકોને શૈક્ષણિક અને શણગાર કિટ અર્પણ કરાઈ
ભુજ: તહેવારોની ખુશીઓ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચે અને સમાજમાં સેવાભાવ, સમરસતા તથા માનવતાની ભાવના મજબૂત બને તેવા હેતુથી સત્યમ્ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા દશેરાના પવિત્ર દિવસે ભુજના વિવિધ વિસ્તારોમાં બાળકોને ગાંઠિયા, જલેબી અને અથાણાં સાથે ભરપેટ અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ સાથે નવરાત્રિ દરમિયાન યોજાયેલી ગરબીની વિવિધ સ્પર્ધાઓના વિજેતા બાળકોને શૈક્ષણિક કિટ અને બાલિકાઓને શણગાર કિટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાળકો અને બાલિકાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા બાળકોને ગરબાની પરંપરા સાથે જોડવા અને તેમની અંદર રહેલી કળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવરાત્રિ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને દશેરાના દિવસે ઇનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બાળકોને દશેરાના પરંપરાગત ગાંઠિયા-જલેબી તથા અથાણાંનો ભરપેટ અલ્પાહાર કરાવી તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.
કચ્છનાં જાણીતાં તબીબ સ્વ. ડો. કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા ધારાશાસ્ત્રી અને ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સત્યમ્ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, અંકિતાબેન ધોકાઈ સહિતની ટીમે સેવા આપી હતી. માઇક સિસ્ટમથી સજ્જ વાહન દ્વારા વિવિધ વિસ્તારોમાં પહોંચીને બાળકોને ગરબીમાં જોડાવા પ્રોત્સાહિત કરવા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
પરંપરાગત ગરબી આપણી સાંસ્કૃતિક ઓળખનો અમૂલ્ય વારસો: શંકરભાઈ સચદે
આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી અને ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિમાં નવરાત્રિનું વિશેષ સ્થાન છે. નવરાત્રિમાં આધુનિક ગરબીની સાથે પ્રાચીન પરંપરાગત ગરબીનું પણ આગવું મહત્ત્વ છે. સમયની સાથે પરિવર્તન આવવું સ્વાભાવિક છે, પરંતુ આધુનિકતાને સ્વીકારવાની સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ હંમેશાં સામાજિક સમરસતા, સમાનતા અને સમાજના વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા રાખવાનો સંદેશ આપ્યો હતો. તેમના વિચારોને અનુરૂપ આપણા તહેવારો માત્ર મનોરંજન પૂરતા સીમિત ન રહે, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કારોનું સિંચન કરનારા બને તે જરૂરી છે. આજના આધુનિક યુગમાં પણ ગરબીમાં માતાજીની આરાધના, ભક્તિભાવ અને પરંપરાગત સંસ્કૃતિનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ વર્ષે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ સમાજો તથા યુવક મંડળો દ્વારા નવરાત્રિની ઉજવણીમાં પરંપરાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે આનંદની અને અભિનંદનને પાત્ર બાબત છે. આધુનિકતાને અપનાવવાની સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાના સાચા પહેરેગીર બનીને તેને આવનારી પેઢી સુધી જીવંત રાખવાની જવાબદારી સૌની છે. પરંપરાગત ગરબીને પ્રોત્સાહન આપવાના સરાહનીય પ્રયાસો બદલ તેમણે ગુજરાતના તમામ નવરાત્રિ આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં અને લોકો પરંપરાગત ગરબીને વધુને વધુ સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી હતી.
તહેવારોની ઉજવણી સાથે સેવાકાર્યની પરંપરા
ઉલ્લેખનીય છે કે જાણીતા ધારાશાસ્ત્રી અને ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે દ્વારા સ્વ. ડો. કવિતાબેન મીરા સચદેની સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી સત્યમ્ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે દિવાળી, હોળી, નવરાત્રિ અને પતંગોત્સવ સહિતના વિવિધ તહેવારો દરમિયાન પ્રસંગને અનુરૂપ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. બાળકોના ચહેરા પર ખુશી લાવવા અને તહેવારોની ઉજવણીમાં સેવાભાવનો ઉમેરો કરવાના હેતુથી યોજાતી આ પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા, સંવેદનશીલતા અને સેવાની ભાવનાને પ્રેરિત કરે છે.