એકના બદલામાં ત્રણ લાખની લાલચ આપનારા કનૈયાબેના બે આરોપીઓ જબ્બે
ઇન્સ્ટાગ્રામમાં નોટોના બંડલના ફોટા નાખી એકના બદલામાં ત્રણ લાખની લાલચ આપી લોકોને છેતરવાના પ્રયાસ બદલ કનૈયાબેના બે આરોપીઓ પધ્ધર પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે આ કામનો કનૈયાબેનો અન્ય એક શખ્સ દરોડા દરમ્યાન હાજર ન મળતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી પધ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, લોકો સાથે છેતરપિંડી કરવા સોશિયલ મીડિયા-ઇન્સ્ટાગ્રામની આઇ.ડી.માં ચલણી નોટોના બંડલોના ફોટો મૂકી જાળ બિછાવી છે. હાલ તેઓ તેમના કબજાની બલેનો કાર માં કનૈયાબેથી આગળ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર કુ બુલ્ટ રિન્યુએબલ કંપની પાસે હાજર છે. આ બાતમીના આધારે પધ્ધર પોલીસે દરોડો પાડી બાતમીવાળી કારમાંથી ઝડપી તેના મોબાઇલ ચકાસતાં 500ના દરની નોટોના બંડલોના ફોટા મળ્યા હતા, જે અંગે પોલીસે પૂછતાં પોતે બંને તથા ત્રણે સાથે મળી ઇન્સ્ટાગ્રામની આઇ.ડી.માં આ બંડલોના ફોટા ઇન્સ્ટાગ્રામની આઇ.ડી.માં અપલોડ કરી રૂા. એક લાખના બદલામાં ત્રણ લાખ આપવાની જાહેરાત મૂકી લોકો સાથે સંપર્ક કરી તેઓને વિશ્વાસમાં લઇ છેતરવાનો પ્રયાસ કરતા હતા. પધ્ધર પોલીસે બે મોબાઇલ કિં. રૂા. 20 હજાર, કાર કિં. રૂા. પાંચ લાખ એમ કુલ રૂા. 5,20,000નો મુદ્દામાલ કબજે લઇ ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી હાજર ન મળેલા આરોપી ગુલામને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.