સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનો મુદ્દે બે ઈસમોની માથાકૂટ
જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનો ભરી આવી બાદમાં ટોલપ્લાઝાના કર્મીઓ સાથે ઝપાઝપી કરી છરી બતાવી બંને વાહનો લઇને નાસી જતાં બે શખ્સો સામે ગુનો દર્જ થયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી પૂર્વ કચ્છના વાગડ પંથકમાં બેફામ ખનિજ ચોરી, ઓવરલોડનું દૂષણ દિવસોદિવસ તંત્રના આશીર્વાદથી વધી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ સામખિયાળી ટોલ નાકા પર ઓવરલોડ મુદ્દે માથાકૂટ કરીને વાહન હંકારી જવાયું હતું તેવામાં ગત તા. 21/10ના ફરી આવો જ બનાવ બન્યો હતો. સૂરજબારી ટોલ નાકા પર આઇ.એમ.ટી. મેનેજર તરીકે નોકરી કરનાર ફરિયાદી અને અન્ય કર્મીઓ હાજર હતા. દરમ્યાન માળિયા બાજુ જતી લેન નંબર પાંચ પર બે ઓવરલોડ ડમ્પર આવતાં સિસ્ટમે ઓવરલોડનું સિગ્નલ આપતાં બંને વાહનો રોકાવાયાં હતાં અને પેનલ્ટી ભરવાનું કહેતાં ચાલકોએ ના પાડી હતી. બાદમાં નંબરપ્લેટ વગરની સ્કોર્પિયોમાં તથા બુલેટથી શખ્સ ત્યાં આવ્યા હતા. આ બંનેએ ફરિયાદી તથા અન્યો પાસે બોલાચાલી કરી ઓવરલોડ વાહનો આગળ રાખેલી બોલેરો -બાઇક હટાવી ટોલ નાકાના કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં ઇમરાન છરી કાઢી મારવા આવ્યો હતો. દરમ્યાન પેનલ્ટી ભર્યા વગર બંને ડમ્પરો લઇને આ શખ્સો નાસી ગયા હતા. સામખિયાળી પોલીસે બનાવ અંગે તા. 22/10ના સાંજે ગુનો નોંધી હવે આગળની તપાસ હાથ ધરી છે.