મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ ખાતેથી કચ્છ જિલ્લાની ૧૧ નવીન આરોગ્યલક્ષી સુવિધાઓનું ઈ-લોકાર્પણ

Health Vibhag Pressnote Kutch 2026 (4)

કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં કુલ ૧૧ આરોગ્યલક્ષી સુવિધાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સુવિધાઓમાં રાપર તાલુકાના સુવાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), કાનમેર અને કલ્યાણપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો (સબ સેન્ટર), ભચાઉ તાલુકાના રતનપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, નખત્રાણા તાલુકાના કલ્યાણપર અને લક્ષ્મીપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, માંડવી તાલુકાના મોટા રતાડિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, ભુજ તાલુકાના રેહા અને દિનારા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, બેલા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી (IPHL) નો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી સ્થાનિક નાગરિકોને નજીકના વિસ્તારમાં પ્રાથમિક સારવાર અને તપાસ માટેની સેવાઓ ઉપલબ્ધ બનશે.

ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી (IPHL) ના લોકાર્પણ ખાતે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લેબોરેટરીથી વિવિધ રોગોની તપાસ અને રોગચાળાની દેખરેખ માટેની વ્યવસ્થા મજબૂત બનશે. આ કાર્યક્રમમાં નાયબ મેયરશ્રી નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તેજસ શેઠ, દંડકશ્રી સુરેશભાઈ ધુઆ, નાયબ કમિશનરશ્રી ઉર્વિશ વાળંદ, અંજાર પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, મામલતદારશ્રી જાવેદ સિંધી અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેશ ભંડેરી, CDMO ડૉ. કિશોર રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અમીન અરોરા, ડૉ. દિનેશ સુતરિયા અને ડૉ. હરીશ મટાણી હાજર રહ્યા હતા.

રાપર તાલુકાના સુવાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યશ્રી અજિતસિંહ, સુવાઈના ઉપસરપંચશ્રી મોહનભાઈ મહેશ્વરી, સામાજિક આગેવાનશ્રી વડીલાલ શેઠ, એડવોકેટશ્રી હરિભાઈ, તલાટીશ્રી મિતેશભાઈ પટેલ, જેસડાના સરપંચશ્રી રાહુભા જાડેજા, ડૉ. ઉમંગ ચોપરા તેમજ પંચાયતના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બેલા ખાતે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સ્થાનિક પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

રાપર તાલુકાના કાનમેર અને કલ્યાણપર, ભચાઉના રતનપર તેમજ ભુજ તાલુકાના રેહા અને દિનારા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરોના લોકાર્પણ પ્રસંગે સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. નખત્રાણા તાલુકાના કલ્યાણપર ખાતે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દિનેશભાઈ રુડાણીના હસ્તે અને લક્ષ્મીપર ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નેહાબેન રૂપારેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડવીના મોટા રતાડિયા ખાતે પણ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તમામ સુવિધાઓ કાર્યરત થવાથી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓનું માળખું સુદૃઢ બનશે તેમ જિલ્લા પંચાયત કચ્છની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.