સો ટકા ઈથેનોલયુક્ત ઈંધણને મંજૂરી
કેન્દ્ર સરકારે દેશમાં સો ટકા ઇથેનોલ-મિશ્રિત ઈંધણના ઉપયોગને મંજૂરી આપી છે.સૂત્રો પરથી મળતી માહિતી આ ઈંધણનો ઉપયોગ માત્ર એવા વાહનોમાં જ થઈ શકે છે જે ખાસ કરીને તેના માટે તૈયાર કરવામાં આવ્યા હોય અને પ્રમાણિત હોય. આ હેતુ માટે, સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કરવા એક ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે કહ્યું હતું કે, સો ટકા ઈથેનોલ મિશ્રિત ઈંધણથી ક્રૂડ ઓઈલની આયાત અને પ્રદૂષણમાં ઘટાડો થશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કેટલીક કાર ઉત્પાદક કંપનીઓ બજારમાં `ઈ-100′ વાહનો લાવવાની તૈયારી કરી છે. એક મીડિયા હેવાલ મુજબ, કેન્દ્ર સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે, જેથી 100 ટકા ઈથેનોલ એટલે કે, ઈ-100 ઇંધણથી ચાલતા વાહનોને મંજૂરી આપી શકાય. નવી સૂચના હેઠળ, ઉત્સર્જન સંબંધિત જોગવાઈઓમાં હવે ઈ-85 ઈંધણની સાથે ઈ-100નો પણ સમાવેશ કરાયો છે. ઈથેનોલ એ એક જૈવ-ઇંધણ છે, જે મુખ્યત્વે શેરડી અને મકાઈ જેવા છોડ અને જૈવિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે, તેમાં પેટ્રોલનું કોઈ મિશ્રણ હોતું નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ઈ-20 પેટ્રોલ અથવા સામાન્ય પેટ્રોલ પર ચાલવા માટે તૈયાર કરાયેલા વાહનો ઈ-85 કે ઈ-100 ઈંધણ પર ચાલી શકતા નથી. ઈ-85 અને ઈ-100 ઈંધણનો ઉપયોગ માત્ર એવા વાહનોમાં જ થઈ શકે છે જે ખાસ કરીને તેના માટે તૈયાર કરવામાં આવ્યા હોય અને પ્રમાણિત હોય. આનાથી હાલના વાહન માલિકો પર કોઈ અસર પડશે નહીં. તેમણે પોતાની વર્તમાન કારમાં ઈ-85 કે ઈ-100 ઈંધણનો ઉપયોગ શરૂ કરવાની જરૂર નથી કે પછી તેમણે પોતાના વાહનોમાં કોઈ ફેરફાર કરવાની પણ જરૂર નથી. ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા વાહનોમાં એક જ ઈંધણ ટાંકી હોય છે. આ ટેક્નોલોજી વાહનના એન્જિનને ઈથેનોલ અને પેટ્રોલના વિવિધ રેશિયોવાળા ઈ-85થી લઈને ઈ-100 ઈંધણને એક જ ટાંકીમાંથી સરળતાથી ચાલવા માટે સક્ષમ બનાવે છે.