રાપર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો પ્રારંભ કરાવતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા

વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી રાપર નગરપાલિકા દ્વારા રાપરના નગાસર તળાવ ખાતે આયોજિત ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ કરાવ્યો હતો. તહેવારોને અનુલક્ષીને શીતલા માતા રોડ પર આયોજિત ‘ફટાકડા બજાર’ને પણ પ્રભારીમંત્રીશ્રીએ ખુલ્લુ મૂક્યું હતું. સ્થાનિક લોકોને ઘરઆંગણે જ રોજગારીની પૂરતી તકો મળી રહે અને સ્થાનિક વેપારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓનું મહત્તમ વેચાણ થાય તેવા ઉમદા હેતુથી રાપર નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંદિપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, નાગરિકોની સુવિધા માટે આ સ્વદેશી મેળામાં વિવિધ ચીજવસ્તુઓના ૩૦ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે શીતલા માતા રોડ ખાતે ફટાકડાના વેચાણ માટે ૪૦ જેટલા સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ શુભારંભ કાર્યક્રમ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને સ્થાનિક ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રાપર નગરપાલિકાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્ટાફને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઢીલા, જિલ્લા પંચાયત સદસ્ય જયદીપસિંહ જાડેજા તથા માજી પ્રમુખ હઠુભા સોઢા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સહિતના અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી.
આ સાથે જ જિલ્લા અને તાલુકા સંગઠનના આગેવાનો સર્વેશ્રી ધવલભાઈ આચાર્ય, વિકાસભાઈ રાજગોર, ઉમેશભાઈ સોની, ભિખુભા સોઢા, ગુમાનસિંહ સોઢા, નશાભાઈ દૈયા, મહેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ થાનકી, મદુભા વાઘેલા, હમીરજી સોઢા, ભગવાનદાન ગઢવી, રાણાભાઈ પરમાર, કાનજીભાઈ આહીર, લાલજી કારોત્રા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો શૈલેષ શાહ અને પ્રકાશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.