કેન્સરના દર્દીઓને રાહત; 543 દવા સસ્તી બની

દવાઓની ઊંચી કિંમતોની સાથોસાથ ખાનગી હોસ્પિટલોમાં વસૂલાતા તગડા ચાર્જ પર દેશની સર્વોચ્ચ અદાલતની નારાજગી બાદ દેશમાં કેન્સરની 543 દવાની કિંમતોમાં ઘટાડો કરાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇઝિંગ ઓથોરિટીના નિર્ણય બાદ 397 એટલે કે 73 ટકા દવાના ભાવ ઘટાડી દેવાયા છે. ઘટેલા દર નવમી નવેમ્બરથી લાગુ થશે. આ દવાઓમાંથી 217 દવાની કિંમતમાં તો અડધોઅડધથી વધુ ઘટાડો કરાયો છે. 97 બ્રાન્ડની દવાઓમાં 70 ટકાથી વધુ અને 50 દવાના ભાવમાં 80 ટકાથી વધુ ઘટાડો કરાયો છે. પાંચ મહત્ત્વપૂર્ણ દવાઓની કિંમત 90 ટકાથી વધુ ઓછી કરી દેવાઇ છે. સૌથી મોટો ઘટાડો સેમટેપા ઇન્જેક્શનમાં થયો છે. તેની કિંમત 80 હજાર રૂપિયામાંથી ઘટાડીને માત્ર 7150 રૂપિયા કરી દેવાઇ છે. પેલબોપ્રો દવાના 21 કેપ્સુલવાળા પેકેટની કિંમત 40 હજારમાંથી 2700 રૂપિયા કરી દેવાઇ છે. દવાઓની કિંમતો પર લગામ કેમ નથી મૂકતા તેવા સુપ્રીમ કોર્ટે મંગળવારે કરેલા સવાલ બાદ નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરિટીએ આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે 137 કેન્સરરોધક દવાઓના નફાના ગાળાને દવાની મહત્તમ વેચાણ કિંમતના 30 ટકા સુધી સીમિત કરી નાખ્યો છે. બજારમાં વેચાઇ રહેલી દવાઓની કિંમતના આધાર પર જરૂરી દવાઓની અધિકતમ ભાવ સીમા નક્કી કરાય છે, તેનાથી વધુ ભાવે વેચાણ ગેરકાનૂની છે. સરકારી આદેશ અનુસાર આ ભાવ ઘટાડાનો ઔપચારિક આધાર વધુ પડતા નફાના ગાળા પર અંકુશ મૂકીને કેન્સરની સારવાર પરવડે તે સ્તરની કરવાનો છે. કેન્સરની સારવાર લાંબા સમય સુધી ચાલી શકે છે તે જોતાં દવાઓની મહત્તમ છૂટક વેચાણ કિંમતોમાં ઘટાડો થતાં દર્દી અને તેના પરિવારને આર્થિક રાહત મળી શકશે. સુપ્રીમ કોર્ટે ગત મંગળવારે દવાની ઊંચી કિંમતો અને હોસ્પિટલો દ્વારા વધુ પડતા પૈસા વસૂલવા સામે પગલાં અંગે કડક વલણ અપનાવ્યું હતું. સુનાવણીમાં એક ઉદાહરણ આપતાં અદાલતે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી 11 હજાર રૂપિયામાં મળતા ઇન્જેક્શન પેટે ખાનગી હોસ્પિટલે 1.3 લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું હતું.