પાકિસ્તાનમાં માત્ર 1.7 ટકા હિન્દુ વધ્યા

બળજબરીથી ધર્માંતરણ તેમજ હિંસા જેવા અત્યાચારોનાં કારણે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની વસતી ઘટીને માત્ર 1.7 ટકા રહી ગઇ છે. સૂત્રો પરથી મળતી માહિતી 1941માં પાકમાં હિન્દુઓની વસ્તી 14.6 ટકા હતી. બ્રિટિશ હિન્દુ સંગઠન `ઇનસાઇટ યુકે’ના એક અહેવાલમાં આવી જાણકારી અપાઇ છે. આ સંગઠને બ્રિટિશ સરકારને પાકમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી છે. અહેવાલ નોંધે છે કે, ભાગલા વખતે અને પછી પણ હજારો હિન્દુ પરિવારને પોતાનાં ઘર છોડવા પડયાં. પાકમાં અનેક પરિવારોની વડીલોપાર્જિત જમીનો અને ખેતરો છીનવાઇ ગયાં. પાકિસ્તાનના મિલકતના કાયદાઓના કારણે સંમત્તિઓ પર કબજાથી હિન્દુઓની આર્થિક સ્થિતિ નબળી પડી. `એનિમી પ્રોપર્ટી’ એટલે કે દુશ્મનની સંપત્તિના કાયદાઓ મુજબ પાકની સરકારે ભારત ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિઓ પર કબજો કરી લીધો હતો. અહેવાલ નોંધે છે કે, પાકના બંધારણની કલમ 41 અને 91 હેઠળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના પદ માત્ર મુસ્લિમ નાગરિકો માટે છે. આ નિયમો બદલવાનો ખરડો 2019માં લવાયો, પણ આગળ ન વધી શક્યો. અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાનમાં દર વર્ષે એક હજારથી વધુ હિન્દુ, ઇસાઇ મહિલાઓ, યુવાનીઓના અપહરણ, ધર્માંતરણ કરાવીને બળજબરીથી લગ્ન કરાવી લેવાય છે.