ફટાકડા પર પૂર્ણ રોકના પક્ષમાં નથી સુપ્રીમ

દિલ્હીમાં વકરતાં પ્રદૂષણ વચ્ચે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ફટાકડા પર પૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી.સૂત્રો પરથી મળતી માહિતી બીજીતરફ આદેશનું ઉલ્લંઘન કરીને માત્ર `મજાક’ બનાવી દેવાના અધિકારીઓનાં વલણ સામે સુપ્રીમે લાલઆંખ પણ કરી હતી. સાથોસાથ એક સૂચન કરતાં અદાલતે કહ્યું હતું કે, ફટાકડા ફોડવા સામે જાગૃતિ લાવવા માટે વિરાટ કોહલી જેવી હસ્તીઓને પણ સામેલ કરવી જોઇએ. તહેવારો પર લોકોના ઉત્સાહને અવરોધ નથી કરવા માગતા. આજની નવી પેઢી પહેલાંથી ફટાકડાઓ માટે જાગૃત છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને પી. બી. વહાલેની ખંડપીઠે કહ્યું હતું કે, વારંવાર નિયમોનું ઉલ્લંઘન થતાં અદાલતી આદેશો માત્ર મજાક બનીને રહી જાય છે. સુપ્રીમે ફટાકડાઓનાં વિવેકપૂર્ણ નિયમનનો આદેશ આપ્યો હતો. ફટાકડા અંગે નિર્દેશોને લાગુ નહીં કરવા બદલ કોર્ટે દિલ્હી સરકાર અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગને ફટકાર લગાવી હતી. અલબત્ત, પૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં કોર્ટ નથી, પરંતુ બેફામ ફટાકડા ફોડવાથી તો વાયુ પ્રદૂષણ પણ વધશે, તેવું સુપ્રીમે કહ્યું હતું. દરમ્યાન, ન્યાયમિત્રએ જણાવ્યું હતું કે, વધુ પડતા ફટાકડા ફોડાતાં ફેફસાં સહિત માનવ આરોગ્યને ગંભીર નુકસાનનું જોખમ છે. દિલ્હી સરકાર તેમજ વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગના અધિકારીઓને ફટકાર લગાવતાં સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, આપ સૌએ હકીકતમાં કર્યું શું છે? વીતેલા વર્ષના આદેશો બાદ રચાયેલી ટીમો નિર્ધારિત વિસ્તારોમાં ક્યારે ગઇ અને કોઇ આંકડા, વિગતો મેળવ્યા કે નહીં, તેવા સવાલો અદાલતે પૂછયા હતા. સમસ્યા પ્રકાશના પર્વ સામે નથી, ફટાકડા સામે છે. અધિકારીઓ એ બે દિવસ દરમ્યાન ખાસ ધ્યાન આપે, જ્યારે ફટાકડા ફોડવાની છૂટ છે. સામાન્ય લોકો પર કેસ ન કરી શકાય, એ જોતાં આદેશોનો અમલ કરાવવો જ યોગ્ય ઉપાય છે, તેવું સુપ્રીમે કહ્યું હતું.