ભારતમાં ગરીબી ઘટી, પણ અસમાનતા વધારો
નવી દિલ્હી, ભારતમાં વર્ષ 2011થી 2023 દરમિયાન અંદાજે 49.6 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વર્લ્ડબેંકના ઓક્ટોબર 2026ના `ઇન્ડિયા પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ’ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળામાં ભારતમાં ગરીબીનો દર ઝડપથી ઘટયો છે. જો કે, દેશની આવકની અસમાનતા હજુ પણ મોટો પડકાર છે. દેશના સૌથી વધુ આવક ધરાવતા 10 ટકા લોકોની સરેરાશ આવક સૌથી ઓછી આવક ધરાવતા 10 ટકા લોકો કરતાં લગભગ 13ગણી વધારે છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, ભારતમાં દરરોજ 4.20 ડોલરથી ઓછી આવક ધરાવતા લોકોની સંખ્યા 2011માં કુલ વસ્તીના 57.7 ટકા હતી, જે 2023માં ઘટીને 16.1 ટકા થઈ છે. આ ગણતરી 2021ના ખરીદશક્તિ સમાનતા (ઙઙઙ)ના માપદંડ પર આધારિત છે. અત્યંત ગરીબીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. દરરોજ 3 ડોલરથી ઓછી આવક ધરાવતા લોકોની ટકાવારી 2011માં 27.1 ટકા હતી, જે 2023માં ઘટીને માત્ર 2.6 ટકા રહી ગઈ છે. દેશમાં ગરીબીનો દર ઘટયો હોવા છતાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે મોટો તફાવત છે. 2023માં 4.20 ડોલરની આવક મર્યાદા પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનો દર 19.3 ટકા હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 8.6 ટકા નોંધાયો હતો. ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધીના રાજ્યોના એક વિશાળ ભૌગોલિક પટ્ટામાં દેશના કુલ ગરીબ લોકોમાંથી લગભગ 57 ટકા લોકો વસે છે. વર્લ્ડ બેંકના મતે, આ વિસ્તારોમાં વધુ સારી ગુણવત્તાવાળી બિનખેતી રોજગારીની તકો ઊભી કરવાથી ગરીબી ઘટાડવામાં મદદ મળી શકે છે. 2017થી 2023 દરમિયાન ભારતમાં અંદાજે 13.4 કરોડ લોકો રોજગારી સાથે જોડાયા હતા. આ વધારો કામકાજની ઉંમર ધરાવતી વસ્તીમાં થયેલા વધારા કરતાં લગભગ બમણો હતો. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની પેઇડ રોજગારીમાં ભાગીદારી વધતાં પરિવારોમાં કમાતા સભ્યોની સંખ્યા વધી હતી. જો કે, રોજગારી વધવા છતાં લોકોની વાસ્તવિક આવકમાં ખાસ વધારો થયો નથી. રોજગારીનો મોટો હિસ્સો ઓછી ઉત્પાદકતાવાળા ક્ષેત્રોમાં રહ્યો હોવાથી વેતન વૃદ્ધિ મર્યાદિત રહી છે. વર્લ્ડબેંકે રિપોર્ટમાં નોંધ્યું છે કે, આવકની અસમાનતા માપવામાં કેટલીક મર્યાદાઓ છે. તાજેતરના ઘરગથ્થુ સર્વેમાં થયેલા સુધારાને કારણે લોકોની આર્થિક સ્થિતિમાં થયેલો સુધારો વધુ દેખાતો હોઈ શકે છે. બીજી તરફ, વધુ સંપત્તિ ધરાવતા પરિવારોનું સર્વેમાં પૂરતું પ્રતિનિધિત્વ ન હોવાથી આવકની અસમાનતાનું વાસ્તવિક પ્રમાણ ઓછું દર્શાવાતું હોવાની શક્યતા પણ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.