અર્નબથી આંધ્રમાં કરોડનું નુકસાન થયું
નવી દિલ્હી,ચક્રવાત અર્નબની પીડાથી આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ હજી કણસી રહ્યા છે. ચક્રવાતનાં કારણે થયેલા ભારે વરસાદ બાદ ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં બહુદા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. બે રેલવે પુલ પાસે જોખમના નિશાનને પાર કર્યા બાદ હાવડા-ચેન્નાઈ માર્ગે રેલ સેવા અસરગ્રસ્ત થઈ હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે યાત્રીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 36 ટ્રેન રદ કરવામાં આવી હતી અને 30ના રૂટ બદલવામાં આવ્યા હતા. જ્યારે આઠ અન્ય ટ્રેનને અધવચ્ચે રોકી દેવામાં આવી હતી અથવા સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, અર્નબથી આંધ્રને રૂા. 4600 કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પીએમકેર ફંડમાંથી રાજ્યોને સહાય કરવી જોઇએ. પૂર્વ કોસ્ટલ રેલવેએ 24 ટ્રેન રદ કરી હતી અને 22ના માર્ગ બદલ્યા હતા, જ્યારે દક્ષિણ કોસ્ટલ રેલવેએ 12 ટ્રેન રદ કરી હતી અને આઠના રૂટમાં ફેરફાર કર્યો હતો. અધિકારીઓ અનુસાર આઠ અન્ય ટ્રેન રસ્તામાં જ રોકી લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં રદ કરવામાં આવેલી પ્રમુખ ટ્રેનમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટન વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ, ભુવનેશ્વર-વિશાખાપટ્ટનામ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ઓરિસ્સાની રાજધાનીને તેલંગાણાના સિકંદરાબાદથી જોડતી વિશાખા એક્સપ્રેસ સામેલ છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ચક્રવાત અર્નબના કારણે ગંજમ જિલ્લામાં 550 મિલીમીટર વરસાદ થયો હતો. જેનાથી બહુદા નદીનું જળસ્તર જોખમી રીતે વધ્યું હતું. આ સ્થિતિમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વધુમાં છત્તીસગઢ અને દક્ષિણ ઓરિસ્સા વચ્ચે ઓછાં દબાણનું ક્ષેત્ર બનતાં પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારમાં વરસાદ પડયો હતો. આ દરમિયાન ગુરુવારે સવારે દક્ષિણ અંદામાન સાગરની ઉમર એક ઓછાં દબાણનું ક્ષેત્ર બન્યું હતું. જે આગળ વધતા જ ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. આવી સ્થિતિમાં શનિવાર સુધીમાં દાર્જિલિંગ, કલિમપોંગ, જલપાઈગુડી સહિતના વિસ્તારમાં વરસાદની સંભાવના છે.