95 વર્ષ બાદ વસતીગણતરીમાં જાતિ પુછવામા આવશે

નવી દિલ્હી, દેશમાં વસતી ગણતરીનો બીજો દોર 2પમી જાન્યુઆરી-2027થી શરૂ થશે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મોટી અને સૌએ જાણવા જેવી વાત એ છે કે, 9પ વર્ષ બાદ એટલે કે, 1931 પછી એવું પહેલીવાર બનશે જ્યારે દેશમાં જાતિની પણ ગણતરી થઈ રહી છે. કેન્દ્ર સરકારે 11,718 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મણિપુર, ગોવા, ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સિવાય આખા દેશમાં વસતી ગણતરીની કવાયત હાથ ધરાશે. આ રાજ્યોમાં 2027ની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. બરફવર્ષાવાળા ભાગો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં પણ વસતી ગણતરી નહીં કરાય. સરકારનાં જાહેરનામા મુજબ 10થી 24 જાન્યુઆરી સુધી લોકો ખુદ પોર્ટલ પર વિગતો ભરી શકશે. આ ભારત દેશની પ્રથમ ડિજિટલ વસતી ગણતરી થવા જઈ રહી છે. ગૃહ મંત્રાલય હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા વસતી ગણતરી કાયદા 1948ની કલમ-3 હેઠળ આદેશ જારી કરાયો છે. કેન્દ્ર સરકાર 2027ની આ વસ્તી ગણતરી માટે 11 હજાર કરોડથી વધુ 11,718.24 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. સમગ્ર દેશમાં કેન્દ્ર સાથે સંકલન સાધીને આ કવાયત કરાશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ વ્યાયામના અમલમાં મદદ કરશે. વસતી ગણતરી દરમ્યાન ત્રણ પગલાં પાળવાનાં રહેશે. પહેલાં પગલામાં ઈચ્છે તે નાગરિક પોર્ટલ પર ઓનલાઈન વિગતો ભરી શકશે. ત્યારબાદ વસતી ગણતરીકારો ઘરોઘર પહોંચશે અને છેલ્લે પાંચ દિવસનો રિવિઝન રાઉન્ડ થશે, જેથી કોઈ પણ વ્યક્તિ ગણતરીમાંથી બાકાત નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, લોકો દ્વારા અપાયેલી વ્યક્તિગત જાણકારી પૂર્ણપણે ગોપનીય રખાશે.  વસ્તી ગણતરી કાયદાની કલમ 15 મુજબ આ જાણકારી માહિતી અધિકાર કાયદા (આરટીઆઈ) હેઠળ પણ જાહેર નહીં કરી શકાય અને કોઈ અદાલતમાં પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ નહીં કરી શકાય.