વ્યારમાં ટ્રક પરથી પટકાતાં તામિલનાડુના યુવાને જીવ ખોયો

  નખત્રાણા તાલુકાના વ્યારમાં ટ્રક પર ચડી બેલ્ટ બાંધવા જતાં નીચે પટકાતાં તામિલનાડુના યુવાને જીવ ખોયો હતો. તામિલનાડુના ભરૂચિલ્લાપલ્લિમાં રહેનાર યુવાનો નખત્રાણાના વ્યાર ગામે આવ્યા હતા. જ્યાં ગત તા. 31/10ના સાંજના અરસામાં બનાવ બન્યો હતો. આ હતભાગી યુવાન ટ્રક માં ભરેલી મગફળીની ગૂણીઓ પર તાડપત્રી ઉપર બેલ્ટ બાંધી રહ્યો હતો. દરમ્યાન અકસ્માતે તે નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાયા બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના ગેટ પાસેથી 3પ વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભુજમાં જી. કે. જનરલ હોસ્પિટલ ઈમર્જન્સી ગેટ પાસે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં 3પ વર્ષીય અજાણ્યો યુવાન બેભાન મળતાં તેને જી. કે. જનરલમાં લઈ જવાયો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાન કોણ છે અને તેનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.