કોન્ટ્રાક્ટર દ્વારા ખોટી સહી કરીને લાખો રૂપિયા ઓળવી જવાનો કારસો

ગાંધીધામ કોર્પોરેશન ગુરુવારે સાંજના ભાગે પેમેન્ટ વાઉચરમાં ખોટી સહીથી ગાજ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી કોન્ટ્રાક્ટરની વાઉચરમાં ખોટી અથવા તો ડૂપ્લિકેટ સહી કરીને લાખો રૂપિયા ઓળવી જવાનો કારસો ખુલ્લો પડયો હતો. વાઉચરમાં જે ઇજનેરની સહી હોવી જોઈએ તેની જગ્યાએ અન્ય ઇજનેર અથવા તો કોન્ટ્રાક્ટર ખુદે સહી કરીને વાઉચર મૂક્યું હતું, તેવામાં જેની સહી હોવી જોઈએ તે ફિલ્ડ ઈજનેર આવી જતાં ભાંડો ફૂટયો હતો અને ચર્ચાનો દોર પણ શરૂ થયો હતો. આ મામલો મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ સુધી પણ પહાચ્યો છે. લોબીમાં થતી ચર્ચા અને મહાનગરપાલિકાના રોડ રસ્તાનાં કામો કરતા અને વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે ગુરુવારે સાંજના ભાગે લાખો રૂપિયાનું બિલ મૂક્યું હતું, તેમાં વધારાનું કામ થયું ન હોવા છતાં 15 લાખનું એક્સેસ પણ હતું, જેની ઉપર ફિલ્ડ ઇજનેરની સહી હોવી જરૂરી હતી, હવે જે કામ થયું નથી તેના ઉપર તે ફિલ્ડ ઇજનેરે સહી ન કરતાં કોન્ટ્રાક્ટરે અન્ય આઉટસોર્સના ઇજનેર અથવા તો ડુપ્લિકેટ સહી વાઉચરમાં કરીને બિલ મૂકવાની પેરવી કરી હતી. તેવામાં જે ફિલ્ડ ઈજનેરની સહી હોવી જોઈએ, તે કોર્પોરેશને પહોંચતાં, વાઉચરની ચકાસણી કરતાં સહી પોતાની નથી તેવું કહ્યું હતું,પણ કોન્ટ્રાક્ટરે સહી તમારી છે તેવું કહ્યું હતું. બંને વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો તેવામાં આ કૌભાંડનો ભાંડો ફૂટે નહીં તે માટે જેમણે ડુપ્લિકેટ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હતું, તે આઉટસોર્સના ઈજનેર બહાર આવ્યા અને તેમણે કોન્ટ્રાક્ટર અને ફિલ્ડ ઈજનેરને ઓફિસમાં લઈ જઈને આખા મામલાને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફિલ્ડ ઇજનેર પોતાની સહી નથી અને આ એક્સેસનું બિલ ખોટું છે, આ કામ થયું નથી તેના ઉપર અડગ રહ્યા હતા, જેના કારણે મહિલા ઇજનેરે સમાધાન થતું ન દેખાતાં તે કાગળ ફાડી નાખ્યા હોવાની ચર્ચા છે અને ઘીના ઠામમાં ઘી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો ઉચ્ચ અધિકારીઓને ધ્યાને છે અને તેઓ મૂકપ્રેક્ષક બન્યા હતા એવી ચર્ચા લોબીમાં છે. આવા અનેક કૌભાંડો થતાં હોવાની આશંકા છે, વહીવટ ખાડે ગયો છે, કમિશનર આમાં તપાસ કરે તે જરૂરી છે. જે કોન્ટ્રાક્ટરે કર્યું છે તે વગ ધરાવે છે અને આર એન્છડ બી સાથે સંકળાયેલા છે એટલે તેની ઉપર વધુ કોઈ પગલાં ભરી શકાય તેવી સ્થિતિમાં અધિકારીઓ નથી. આ અંગે પ્રથમ સ્થિતિએ ઇજનેર મયંક શાહનો સંપર્ક કરતાં તે વતન નીકળી ગયા હોવાનો જવાબ આપ્યો હતો. જ્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજનો સંપર્ક કરતા તેમણે મામલો ધ્યાન નથી તપાસ કરું છું તેવું કહ્યું હતું. ખરેખર આવું જ અધિકારીઓની હાજરીમાં આવું બન્યું હોવાની ચર્ચા લોબીમાં છે અને તેમણે જ આખો કોભાંડ ઉછળે નહીં તે માટેના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો અન્ય કોન્ટ્રાક્ટરો અને કચેરીમાં ઉપસ્થિત રહેલા જાગૃત નાગરિકોએ કર્યા હતા. જો કે, આવું બન્યું હોવાનું સ્વીકારનારા સત્તાધીશોએ આ મામલાની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.