નખત્રાણા તાલુકાના તલ-લૈયારી સીમમાં રાત્રે મોત રખડે છે! દીપડાએ ગાયના વાછરડાને ફાડી ખાધો, માલધારીઓમાં ફફડાટ
નખત્રાણા તાલુકાના લૈયારી તલ ગામની સીમમાં હવે રાત પડે એટલે મોત બેખોફ થઈને રખડે છે. ગઈ રાત્રે ફરી એક વાર દીપડાએ હુમલો કરીને ગાયના વાછરડાને મારી નાખ્યો છે. આ ઘટનાથી આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જાણવા મળ્યા મુજબ આ ગાયનું વાછરડું માલધારી જત મૌલાના ફારૂક સાહેબ તલ નું હતું. રાત્રે સીમમાં ઘાસ ચારા માટે રખડતા વાછરડા પર દીપડાએ હુમલો કર્યો અને તેને મારી નાખ્યું. સવારે માલધારી સીમમાં પહોંચ્યા ત્યારે વાછરડાનું મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.
માલધારીઓનું કહેવું છે કે, દીપડા હવે રાત્રે આ રીતે જંગલમાંથી નીકળીને સીમમાં રખડે છે અને પશુઓ પર હુમલો કરીને મારી નાખે છે. તો હવે માલધારીઓ પાસે બીજું શું છે પશુઓ સિવાય? પશુ જ તેમની મૂડી છે, પશુ જ તેમનો પરિવાર છે, પશુ જ તેમનું જીવન છે. એક એક વાછરડું જાય એટલે માલધારીનું આખું વર્ષ બગડી જાય છે.
માલધારીઓ પર અત્યારે બેવડી આફત પડી ગઈ છે. એક તરફ સોલાર પ્રોજેક્ટની આફત છે, જેમાં તેમની ચરિયાણ જમીન છીનવાઈ રહી છે. અને બીજી તરફ આ રખડતા દીપડાની આફત છે, જે રાત્રે તેમના પશુઓને મારી રહ્યા છે. માલધારી જાય તો જાય ક્યાં?
માલધારીઓની વન વિભાગ, સરકાર અને તંત્રને હાથ જોડીને વિનંતી છે કે, આ રાત્રે રખડતા મોત જેવા દીપડાઓને તાત્કાલિક પાંજરે પુરવામાં આવે અને માલધારીઓને ન્યાય આપવામાં આવે. સીમમાં રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને પીડિત માલધારીને તાત્કાલિક વળતર આપવામાં આવે.
જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આવતી કાલે કોઈ માણસનો પણ ભોગ લેવાઈ શકે છે. તંત્ર જાગે તે પહેલા માલધારીઓનો અવાજ સાંભળવામાં આવે એ જ આશા છે.