તનાવમુક્ત જીવન જીવવા બ્રહ્માકુમારીઝ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને શીખ અપાઇ
મુન્દ્રા,તા.૧૩: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “આત્મહત્યા રોકવા માટે સાથે મળીને કામ કરવું” ની ચાલુ વર્ષની થીમ સાથે ૧૭ માં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી મુન્દ્રાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે કરવામાં આવી હતી.સમુહ પ્રાર્થના અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સુશીલદીદીએ બાળકોને નિરાશા, હતાશા, વ્યસન અને ખરાબ વિચારોથી દૂર રહીને તનાવમુક્ત જીવન જીવવાની શીખ આપીને ધ્યાનાવસ્થામાં સકારાત્મક વિચારોના તરંગોથી વિદ્યાર્થીઓને પરમ શાંતિની અનુભુતિનો અહેસાસ કરાવ્યો હતો.વિવિધક્ષેત્રે નિષ્ફળ ગયા બાદ નામાંકિત વ્યક્તિઓમાં સ્થાન પામનાર મહાનુભાવોના ઉદાહરણ આપીને સામુહિક આરોગ્ય કેન્દ્રના સિનિયર ડો. મનોજ દવેએ “નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે” નો મંત્ર આપ્યો હતો. સપ્તધારાના સાધકો વિનોદ ઠકકર અને નિલેશ મકવાણાએ પપેટ શોના માધ્યમથી રંગલા-રંગલીના પાત્ર દ્વારા મનોરંજન સાથે જ્ઞાન આપ્યું હતું. તો શાળાની વિદ્યાર્થીનીઓ હેતલબેન, બંસીબેન, વૈસ્નવીબેન અને રાવ્યાબેનએ આત્મહત્યા નિવારણ અંગેના પોતાના વિચારો રજુ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ ઠકકરે તથા આભારવિધિ શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના પ્રકાશ ઠકકર, સુધીર ઝાલા, રાજશી સોલંકી, ગંગાબેન વીંજોડા, મીરાબેન કનાન તથા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના મહેન્દ્ર વાઘેલા અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.