ભુજમાં શ્વાન માટે મેડિકલ કેમ્પ યોજાયો, પશુ દવાખાનામાં શ્વાનોના પ્રદર્શન જેવો માહોલ

કચ્છના જિલ્લા મથક ભુજના પશુ દવાખાના ખાતે શ્વાન માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતા વિવિધ પ્રજાતિના શ્વાનોનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.

ભુજ શહેરમાં ભાનુશાલી નગર પાસે આવેલ પશુ દવાખાના ખાતે શ્વાન માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા સહિત જિલ્લાભરમાંથી શ્વાન માલિકો પોતાના પેટ્સ (શ્વાન)ને લઈને આવી પહોંચ્યા હતા. જેથી એક સમયે પશુ દવાખાનામાં શ્વાન માટેના પ્રદર્શન જેવો માહોલ પણ જામ્યો હતો.

મેડિકલ કેમ્પ દરમ્યાન પાલતુ શ્વાનોમાં હડકવાની રસી તેમજ વિવિધ રસીકરણ સાથે જનરલ તપાસણી પણ કરવામાં આવી હતી. મૂંગા પશુઓ પોતાની વેદના રજૂ કરી શકતા નથી પણ આ પ્રકારના આયોજનો થકી પશુઓમાં રહેલી બીમારીનો ખ્યાલ આવે છે. મોટી સંખ્યામાં શ્વાન માલિકો સારવાર અને નિદાન માટે પોતાના ડોગ્સ (શ્વાન)ને લઈને આવતા એક જ સ્થળે વિવિધ પ્રજાતિના શ્વાનો જોવા મળતા અનોખો માહોલ સર્જાયો હતો.