કચ્છમાં અવારનવાર ઇન્ટરનેશનલ એર સેવા શરૂ કરવાની વિદેશ રહેતા કચ્છી માડુઓની લાગણી હવે ટૂંક સમયમાં જ સાકાર થશે. જોકે, આ સેવા શરૂ કરવાનો શ્રેય અદાણી ગ્રુપને ફાળે જશે. ગુજરાતમાં અમદાવાદ પછી મુન્દ્રા બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. પીટીઆઈના એક અહેવાલ અનુસાર મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા ચોક્કસ શરતોને આધીન ક્લિયરન્સ મળી ગયું છે. હવે મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ MIAPL દ્વારા સેફટી અને ઉડ્ડયનના નિયમોના પાલન, સુવિધા માટે DGCA ડાયરેકટર જનરલ સિવિલ એવિયેશન અને AAOI એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અરજી કરી છે. જોકે, મુન્દ્રા એરપોર્ટ આગામી બે વર્ષ દરમ્યાન ૨૦૨૧-૨૨ સુધી કામ કરતું થઈ જશે. એટલે બે વર્ષ પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરુ સહિત દેશના અન્ય મોટા શહેરો સાથે મુન્દ્રા હવાઈ સેવા દ્વારા જોડાઈ જશે. એ જ રીતે ઇન્ટરનેશનલ હવાઈ સેવના કારણે મસ્ક્ત, દુબઈ, આફ્રિકા, અમેરિકા, લંડન, ચાઈના, ઓસ્ટ્રેલિયા સહિત જેવા જે દેશો નો પોર્ટ સેકટર સાથે વ્યાપાર હશે તે દેશો પણ મુન્દ્રા સાથે હવાઈ સેવા દ્વારા જોડાશે. જોકે, અત્યારે ક્યાં ક્યાં હવાઈસેવા શરૂ થશે તે વિશે કોઈ માહિતી નથી અપાઈ પણ દેશ વિદેશના શહેરો સાથે કચ્છ હવાઈસેવા દ્વારા જોડાઈ શકશે. કચ્છમાં હવે ભુજ, કંડલા પછી મુન્દ્રા હવે ત્રીજું એરપોર્ટ બનશે. જોકે, દેશમાં સૌ પ્રથમ ખાનગી બંદર, ખાનગી રેલવે લાઇન શરૂ કરનાર અદાણી ગ્રુપ દ્વારા સૌ પ્રથમ ખાનગી એરપોર્ટ પણ શરૂ કરીને ભારતીય વાહન વ્યવહારના ઇતિહાસમાં ક્રાંતિ સર્જી છે.