માંડવી તાલુકાનાં બાયઠ ગામમાંથી એક માનસિક દિવ્યાંગ યુવાન મળી આવતાં જાગૃત લોકોએ તેને ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. ગઢશીશા પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યો હતો. મળી આવેલ યુવાને પોતાનું નામ મોહમદ સીધીક બલાઉદીન ઉ.વ. ૪૫ બિહારનાં સહરસા જિલ્લાનાં બરિયાહી ગામનો વતની હોવાનું જણાવતા ત્યાં રહેતા પરિવારજનોને જાણ કરતાં તેનાં બંને ભાઇ તથા ભત્રીજા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ છેલ્લા ૧ વર્ષથી તે ગુમ હતો. ખૂબ જ શોધખોળ પછી તે દિલ્હીમાં છે તેવા સમાચાર પ્રાપ્ત થતાં અમો દિલ્હી પહોંચ્યા હતા. પણ તે મળ્યો ન હતો. આખરે ૧ વર્ષ પછી ગઢશીશા પોલીસ અને માનવજ્યોતના ફોન દ્વારા સમાચાર પહોંચતાં જ પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. માનવતાનાં આ કાર્યમાં ગઢશીશા પોલીસ સ્ટેશન, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ગુલાબ મોતા, વાલજી કોલી તથા સમગ્ર ટીમે સહકાર આપ્યો હતો.