ભુજના યુવકે પોતાનું જ અપહરણ અને 3 લાખની ખંડણી માંગવાનું નાટક રચ્યું

ભુજના હોસ્પિટલ રોડ સોમનાથ એપાર્ટમેન્ટમાં લીવ-ઇનમાં રહેતા યુવકે પોતાની પાર્ટનર તેને કેટલો પ્રેમ કરે છે તે જાણવા પોતાનું જ અપહરણ અને 3 લાખ રૂપિયાની ખંડણીનું નાટક રચ્યું હતું. દરમિયાન યુવતીએ એડિવિઝનમાં પતિનું અપહરણ થયા હોવાની જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકમાં યુવકને ગાંધીધામથી શોધી કાઢીને અપહરણ અને ખંડણીના ખોટા નાટક ખુલ્લુ પાડી દીધું હતું.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા સોમનાથ એપાર્ટમેન્ટમાં મકાન નંબર 503માં રહેતી ઈશા સંજયભાઈ પછેલ (ઉ.વ.18)એ મંગળવારે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી કે, તેમના પતિ મેહુલ રસિકલાલ જોશી (ઉ.વ.23) મુળ માધાપર એશ્વર્યાનગર હાલ સોમનાથ એપાર્ટમેન્ટ હોસ્પિટલ રોડ ભુજએ મંગળવારે ઓફિસે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ અડધો કલાક પછી ઈશાને અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો હતો. ફોન કરનારે ઈશાને જણાવ્યું હતું કે ‘તારા પતિનું મેં અપહરણ કરી દીધું છે અને તે મારા કબજામાં છે. તેને પાછો જોઈતો હોય તો 3 લાખ રૂપિયા લઈને તાત્કાલિક ગાંધીધામ આવી જાવ.’ ખંડણીનો ફોન આવતાં ઈશાએ મેહુલના માતા-પિતા અને પરિચિતોને જાણ કરી હતી. સાંજે સહુ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યાં હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને એલસીબી, ભુજ એ અને બી ડિવિઝન પોલીસની ત્રણ ટીમની તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે મેહુલના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેશ કરીને તપાસ કરતાં મેહુલના ફોનનું લોકેશન ગાંધીધામ બસ સ્ટેશનનું આવતાં પોલીસે ત્યાં તપાસ કરતાં હોટેલ રાજશ્રીમાં મેહુલ મળી આવ્યો હતો. પોલીસે મેહુલની પુચ્છતાછ હાથ ધરતાં પોતાની પત્નિ પ્રેમ જાણવા મોબાઇલ ફોનમાં વોઇસ ચેન્જર સોફ્ટવેરથી અલગ અવાજમાં પોતાના અપહરણ થયું હોવાનું કહયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. મેહુલ વિરુધ્ધ પોલીસે રાજ્ય સેવકને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા સબબ આઈપીસી 182 મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.