ભુજમાં વોર્ડ નંબર 5માં નગરપાલિકા સ્તરેથી કરવાની કામગીરી મુદ્દે નારાજગી વ્યક્ત કરવા નગરસેવક કૌશલ મહેતાએ મુખ્ય અધિકારી નીતિન બોડાતને કોલ કર્યો હતો, જેમાં નગરસેવકે કહ્યું હતું કે, લોકોના પ્રશ્ન મુદ્દે ઉકેલ ન આવે તો ઉપવાસ ઉપર ઉતરવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. જેના જવાબમાં મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે, ઉપવાસ ઉપર ઉતરવાથી પ્રશ્નનો ઉકેલ આવી જતો હોય તો હું પણ તમારી સાથે ઉપવાસ ઉપર બેસવા તૈયાર છું, જેથી નગરસેવકે મુખ્ય અધિકારીના વલણથી નારાજ થઈને કોલ કાપી નાખ્યો હતો અને નગરસેવકોના ગ્રૂપમાં ઓડિયો ક્લીપ મૂકી દીધી હતી. જે વાયરલ થતા શાસક પક્ષના નગરસેવકોનું વહીવટી અધિકારીઓ પાસે કાંઈ ઉપજતું ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.ભુજ શહેરમાં ગટર, પાણી, સફાઈ, રોડ લાઈટ અને માર્ગોની સમસ્યા વકરી છે, જેમાં વિપક્ષ તો ઠિક પણ શાસક પક્ષના નગરસેવકોમાં જ વહીવટી અધિકારીઓ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત થઈ રહી છે. વોર્ડ નંબર 5ના નગરસેવક કૌશલ મહેતાએ મુખ્ય અધિકારી નીતિન બોડાતને કોલ કર્યો હતો અને કોલ રિસીવ થતા પ્રારંભમાં કહ્યું હતું કે, મને મારા વોર્ડના લોકોના પ્રશ્ન મુદ્દે કામ હતું એટલે વાત કરવી હતી. પરંતુ, તમારી પાસે સમય ન હતો. તેમણે ત્યારબાદ કહ્યું હતું કે, તેમના વોર્ડમાં કામ થતા નથી અને કર્મચારીઓને કહીએ તો ધ્યાન આપતા નથી. તમે મારી જોડે ચાલો તો ખ્યાલ આવશે કે મારા વોર્ડની શું હાલત છે.